
મોરબીમાં પ્રોપેન ગેસની અછતને કારણે કેટલાક સિરામિક કારખાનાઓ બંધ થવાની પરિસ્થિતિ સર્જાઈ છે. આ ગંભીર મુદ્દાને ધ્યાનમાં રાખીને મોરબી સિરામિક એસોસિએશનના આગેવાનો ટંકારાના ધારાસભ્ય સાથે ગાંધીનગર ખાતે સચિવાલય પહોંચ્યા હતા અને રાજ્યના મુખ્યમંત્રી તથા ઊર્જા મંત્રી સાથે રૂબરૂ મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન મોરબીના સિરામિક ઉદ્યોગને હાલ જે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, તેના નિવારણ માટે સરકાર તરફથી શક્ય મદદ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

ગાંધીનગર વિધાનસભા ભવન ખાતે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા અને મોરબી સિરામિક એસોસિએશનના હોદ્દેદારોએ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન હાલમાં ઇરાન અને ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ઇમ્પોર્ટેડ ગેસ તેમજ સિરામિક ઉદ્યોગના એક્સપોર્ટમાં ઉભી થયેલી મુશ્કેલીઓ અંગે ઉંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. મુખ્યમંત્રી દ્વારા સિરામિક ઉદ્યોગને હાલની પરિસ્થિતિમાં કેવી રીતે રાહત અને સહાય મળી શકે તે અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ઉદ્યોગકારોને ખાતરી આપી હતી કે યુદ્ધજન્ય પરિસ્થિતિને કારણે સિરામિક ઉદ્યોગને પડતી મુશ્કેલીઓમાં રાજ્ય સરકાર હંમેશા સાથે રહેશે અને શક્ય તમામ મદદ કરવા માટે પ્રતિબદ્ધ છે. આ આશ્વાસન બદલ સિરામિક એસોસિએશનના હોદ્દેદારોએ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ ઉપરાંત રાજ્ય સરકારના ઊર્જા મંત્રી કૌશિકભાઇ વેકરિયા, પાણી પુરવઠા મંત્રી ઇશ્વરસિંહ પટેલ, રાજ્ય સરકારના અગ્ર સચિવ એમ.કે. દાસ અને ગુજરાત ગેસના એમડી શ્રીમતી અવંતિકાસિંગ સાથે પણ ઉદ્યોગકારોએ રૂબરૂ મુલાકાત કરી હતી. આ બેઠકમાં સિરામિક ઉદ્યોગના પ્રશ્નો તથા ગેસના પુરવઠા અંગે ચર્ચા કરવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા ઉદ્યોગ સાથે રહી વિકટ પરિસ્થિતિમાં ઉદ્યોગના વિકાસ માટે સહકાર આપવાની તૈયારી વ્યક્ત કરવામાં આવી હતી.

રાજ્ય સરકાર દ્વારા સિરામિક ઉદ્યોગના વિવિધ પ્રશ્નોને ઉકેલવા અને યુદ્ધજન્ય પરિસ્થિતિમાં ઉદ્યોગની ઉન્નતિ અને વિકાસ માટે સહયોગ આપવાની ખાતરી આપવામાં આવતા મોરબી સિરામિક એસોસિએશનના હોદ્દેદારોએ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજભાઈ એરવાડીયા, હરેશભાઈ બોપલિયા, અજયભાઈ મારવાણીયા, સંદીપભાઈ કૂંડારીયા, માજી પ્રમુખ મુકેશભાઈ ઉઘરેજા, મુકેશભાઈ કુંડારીયા, સુખદેવભાઈ પટેલ, કિશોરભાઈ ભાલોડીયા અને નિલેશભાઈ જેતપરિયા સહિતના ઉદ્યોગકારો હાજર રહ્યા હતા.










