
કચ્છમાં વર્ષ 1984ના દાણચોરી મામલે કોંગી અગ્રણી ઈભલા શેઠને માર મારવાના પ્રકરણમાં ગુજરાતના પૂર્વ IPS અધિકારી અને કચ્છના પૂર્વ એસ.પી. કુલદીપ શર્માની મુશ્કેલીઓ વધી છે. કોર્ટ દ્વારા ધરપકડ વોરંટ ઈશ્યૂ કરવામાં આવ્યું હોવા છતાં હાજર ન થતાં, કુલદીપ શર્મા વિદેશ ભાગી છૂટે તેવી આશંકાના પગલે ભુજ સેશન્સ કોર્ટે તેમની સામે લુકઆઉટ નોટિસ ઈશ્યૂ કરી છે.

આ ઘટના વર્ષ 1984ની છે, જ્યારે કોંગ્રેસી ધારાસભ્ય સાથેનું એક પ્રતિનિધિ મંડળ ભુજમાં તત્કાલીન એસ.પી. કુલદીપ શર્મા સમક્ષ રજૂઆત કરવા આવ્યું હતું. આ દરમિયાન એસ.પી. ઓફિસમાં અબડાસા તાલુકાના કોંગી અગ્રણી ઈભલા શેઠને ગોંધી રાખીને માર મારવાનો કેસ નોંધાયો હતો.

લુકઆઉટ નોટિસ તમામ એરપોર્ટ પર પહોંચતી કરવામાં આવશે, જેથી તેઓ દેશ છોડીને જઈ ન શકે. નોંધનીય છે કે, કાયદાકીય પ્રક્રિયાના 41 વર્ષ બાદ પણ પૂર્વ ઉચ્ચ અધિકારી પર કાયદાનો સંકજો કસાયો છે.






















