અગાઉ 10 વર્ષ માટે સાંસદ રહી ચૂક્યા છે, તે પેહલા 1995 થી 2014 ધારાસભ્ય, 1987માં તાલુકા ભાજપ પ્રમુખ અને 2007માં જિલ્લા ભાજપ પ્રમુખની જવાબદારી સંભાળી ચૂક્યા છે : હવે પ્રદેશ ભાજપના સહ-કોષાધ્યક્ષ બન્યા

સૌરાષ્ટ્રના અનુભવી નેતા, ધારાસભ્ય – સાંસદ અને મંત્રી રહી ચૂકેલા 75 વર્ષીય મોહનભાઈ કુંડારિયાની ફરી સક્રિય રાજકારણમાં એન્ટ્રી થઈ છે. તેઓને પક્ષે પ્રદેશની ટીમમાં સામેલ કર્યા છે. રાજકોટના પૂર્વ સાંસદ મોહન કુંડારીયાને ભાજપ પ્રદેશ સહ કોષાધ્યક્ષની જવાબદારી આપી છે. આ સાથે સંગઠનમાં તેમની 18 વર્ષ બાદ ફરી જવાબદારી મળી છે. અગાઉ મોહનભાઈએ તેમની શરૂઆત જ તાલુકો ભાજપથી કરી હતી જેમાં તેઓ 1987માં પ્રમુખ બન્યા હતા.


ત્યારબાદ તેઓ 1995 માં કેશુભાઈ પટેલની સરકારમાં પડધરી ટંકારા થી ધારાસભ્ય તરીકે ચૂંટાયા, જે સતત 2014 સુધી રહ્યા. અને ત્યારબાદ ધારાસભા થી સીધા સાંસદ બનતા તેઓ રાજકોટ ની લોકસભા બેઠક પર થી જંગી બહુમતીથી ચૂંટાયા.

તેઓ મોદી સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી પણ રહ્યા. આ વચ્ચે તેઓ વર્ષ 2007માં રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ પણ બન્યા હતા. હવે સીધા 2025 માં ફરી સંગઠનમાં જવાબદારી મળતા 18 વર્ષ બાદ જવાબદારી મળી છે.

આ સાથે 2024 માં રાજકોટ લોકસભા બેઠકથી પરષોત્તમભાઈ રૂપાલાને ટિકિટ મળી હતી અને તેઓ પણ ચાર લાખ થી વધુ મતોથી જીત્યા હતા, ત્યારે અનેક લોકો માનતા હતા કે હવે મોહનભાઈ ની ઉમર થઈ છે અને પક્ષને તેમને રાજકારણમાં આરામ માટે કહેશે, પરંતુ અનુભવી મોહનભાઈએ દિલ્હીથી સીધી કનેક્શન લગાડ્યું અને પોતાના માટે પ્રદેશ ટીમમાં જગ્યા બનાવી લીધી. તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખૂબ નજીકના મનાતા અને વિશ્વાસુ એવા ડો.પરિંદુ ભગત (કાકુભાઈ) સાથે કામ કરશે, જેઓ પ્રદેશ ભાજપના કોષાધ્યક્ષ બન્યા છે.












