
રાજકોટ શહેરમાં સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે સક્રિય ભૂમિકા ભજવતા રાજકોટ મારુ કંસારા યુવક મંડળ દ્વારા તાજેતરમાં વિદ્યાર્થી સન્માન સમારોહ તથા રાસોત્સવનો ભવ્ય અને સુવ્યવસ્થિત કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સમાજના શિક્ષણક્ષેત્રે ઉત્કૃષ્ટ પરિણામ હાંસલ કરનાર વિદ્યાર્થીઓને મંડળ દ્વારા મોમેન્ટો, પ્રમાણપત્રો અને શુભેચ્છા પાઠવી સન્માનિત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન મંડળના આગેવાનો તથા વરિષ્ઠ જ્ઞાતિજનો દ્વારા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી ભવિષ્યમાં વધુ મહેનત, સંયમ અને નૈતિક મૂલ્યો સાથે આગળ વધવા પ્રેરણા આપવામાં આવી હતી. શિક્ષણ સમાજના સર્વાંગી વિકાસ માટે સૌથી મજબૂત પાયો છે તેવું જણાવ્યું હતું તેમજ વિદ્યાર્થીઓને તેમના સપના સાકાર કરવા સતત પ્રયત્નશીલ રહેવા માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.

આ સાથે કાર્યક્રમમાં હાજર નાના ભુલકાઓને પણ પ્રોત્સાહક ગિફ્ટ આપી ખુશ કરવામાં આવ્યા હતા, જેને કારણે સમગ્ર કાર્યક્રમમાં આનંદ અને ઉમંગનો માહોલ સર્જાયો હતો.

વિદ્યાર્થી સન્માન સમારોહ બાદ સમગ્ર જ્ઞાતિજન માટે પરંપરાગત અને ઉત્સાહભર્યો રાસોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. રાસોત્સવ દરમિયાન યુવા, મહિલા તથા વડીલ સભ્યો સહિત સૌએ ઢોલ-નગારા અને સંગીતના તાલે હર્ષોલ્લાસપૂર્વક ભાગ લઈ એકતા અને સંસ્કૃતિનો સુંદર પરિચય આપ્યો હતો. કાર્યક્રમ દરમ્યાન આખો માહોલ ઉત્સવમય બની ગયો હતો.

કાર્યક્રમના અંતે તમામ હાજર જ્ઞાતિજનો માટે સમૂહ ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌએ ભાઈચારા અને સમરસતાની ભાવનાથી પ્રસાદ ગ્રહણ કર્યો હતો. સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થવા બદલ આયોજક મંડળ દ્વારા સહયોગ આપનાર સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો તથા આવી સમાજહિતની પ્રવૃત્તિઓ આગળ પણ સતત ચાલુ રાખવાની ભાવના વ્યક્ત કરવામાં આવી હતી.












