
રાજય સરકાર દ્વારા આગામી તા.8 અને 9 જાન્યુઆરીના રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર-કચ્છ રીજીયનની વાઈબ્રન્ટ સમિટ આયોજીત કરવામાં આવી છે. જેમાં ઔદ્યોગીક વિકાસ માટે કરોડો રૂા.ના એમઓયુ કરવામાં આવનાર છે. આ અંગે રાજય સરકાર અને જીલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે.

ઉત્તર ગુજરાતના મહેસાણા ખાતેની રીજીયન વાઈબ્રન્ટ સમિટની સફળતા બાદ સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટમાં યોજાનાર આ બે દિવસીય સૌરાષ્ટ્ર-કચ્છ રીજીયનની વાઈબ્રન્ટ સમિટના સ્થળની પસંદગી માટે ઈન્સ્પેકશનની કામગીરી પણ પૂર્ણ કરી દેવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્ર યુનિ. મારવાડી યુનિ. અટલ સરોવર અને રેસકોર્સ ગ્રાઉન્ડનું રાજકોટ જીલ્લા કલેકટર ડો.ઓમપ્રકાશ અને રાજય સરકારના પ્રતિનિધી દ્વારા ગઈકાલે સ્થળ મુલાકાત કરી ઈન્સ્પેકશનની કામગીરી કરી હતી.

આ સૌરાષ્ટ્ર-કચ્છ રીજીયન વાઈબ્રન્ટ સમિટમાં વિદેશી રોકાણકારોને પણ આમંત્રીત કરવામાં આવેલ છે. રીજીયન વાઈબ્રન્ટ સમિટમાં સૌરાષ્ટ્રના એગ્રો પ્રોસેસીંગ અને કૃષિલક્ષી ઉદ્યોગોને પ્રાધ્યાન્ય અપાશે. અહીં એ ઉલ્લેખનીય છે કે રાજકોટ મશીન ટુલ્સ ડીઝલ એન્જીન, સીએનજી, ઓટોમોબાઈલ પ્લાસ્ટીક મશીનરી સહિતના ઉદ્યોગનું ઔદ્યોગીક હબ તરીકે ઉપસી આવેલ છે.

ત્યારે ઔદ્યોગીક ક્ષેત્રે રોકાણની ઉદ્યોગકારોને તક મળશે આ સૌરાષ્ટ-કચ્છ વાઈબ્રન્ટ સમિટમાં રાજય સરકારના મંત્રીઓ તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના ઉદ્યોગકારો ઉમટી પડશે. વિદેશી રોકાણકારોને સૌરાષ્ટ્ર-કચ્છમાં ઔદ્યોગીક રોકાણ કરવાની તક સાંપડશે.

અહીં એ પણ ઉલ્લેખનીય છે કે તાજેતરમાં મહેસાણા ખાતે યોજાયેલ વાઈબ્રન્ટ સમિટમાં કરોડો રૂા.ના એમઓયુ (કરાર) થતા આ સમિટને મોટી સફળતા સાંપડી હતી. જે બાદ હવે રાજકોટમાં આગામી તા.8 અને 9 જાન્યુઆરીના સૌરાષ્ટ્ર-કચ્છ રીજીયનની વાઈબ્રન્ટ સમિટ રાજય સરકાર દ્વારા આયોજીત કરવામાં આવી રહી છે. આ સમિટમાં વિદેશથી રોકાણકારોને આમંત્રીત કરવામાં આવી રહ્યા છે.


























