

રાજકોટ : ભારત જન વિજ્ઞાન જાથાના સહયોગથી જીવનનગર વિકાસ સમિતિ, વોર્ડ નં. ૧૦ જાગૃત નાગરિક મંડળ, મહાદેવધામ સમિતિ તથા મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે જીવનનગર વિસ્તારમાં ૭૭મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી. જીવનનગરમાં સતત ૪૫મા વર્ષે રાષ્ટ્રીય પર્વની ઉજવણી થવી ગૌરવની બાબત બની રહી.

નગરસેવક નિરૂભા વાઘેલા હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાષ્ટ્રીય એકતા રેલી યોજાઈ હતી, જેમાં જાતિવાદ અને કોમવાદ સામે જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો. રેલી શહેરના માર્ગો પર આકર્ષણનું કેન્દ્ર બની હતી.

જાથાના ચેરમેન એડવોકેટ જયંત પંડયાએ સંબોધન કરતાં જણાવ્યું હતું કે દેશની પ્રગતિનો આધાર વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ છે અને દરેક નાગરિકે તર્ક તથા વાસ્તવવાદ અપનાવવો જરૂરી છે. પર્વની ઉજવણી દ્વારા રાષ્ટ્રભાવના મજબૂત બને છે.

કાર્યક્રમ દરમિયાન અનિલ જ્ઞાન મંદિર અને સ્વસ્તિક ગર્લ્સ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સાંસ્કૃતિક કાર્યક્રમોમાં શૌર્યગીત, વેશભૂષા અને એકપાત્રિય અભિનય રજૂ થયા હતા, જેને રહીશોએ ભારે સરાહના આપી હતી.

મહિલા મંડળ દ્વારા મીઠાઈ વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ વિવિધ સ્પર્ધામાં વિજેતા બનેલા ૬૫ વિદ્યાર્થીઓને પુરસ્કારો આપવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન નેહાબેન મહેતાએ કર્યું હતું.















