
વાંકાનેરના ભલગામ પાસેના પેટ્રોલપંપ પર મોરબી ક્રાઈમ બ્રાંચનો દરોડો: રૂા.48.33 લાખનો મુદ્દામાલ જપ્ત
વાંકાનેર તાલુકાના ભલગામની સીમમાં આવેલ માલકીયા હોટલ પાસે કાર્યરત એચ.એમ. એન્ટરપ્રાઈઝ નામની પેઢી (પેટ્રોલપંપ)માં મોરબી ક્રાઈમ બ્રાંચ અને વાંકાનેર પોલીસે સંયુકત ઓપરેશન હાથ ધરીને મોટાપાયે ચાલતા ગેરકાયદેર ઈંધણના કારોબારનો પર્દાફાશ કર્યો છે. પોલીસ સ્થળ પરથી 29,000 લીટર શંકાસ્પદ જવલનશીલ પ્રવાહી (કિંમત રૂા.23,20,000 અને અન્ય સાધન સામગ્રી મળી કુલ 48,33,500નો મુદામાલ જપ્ત કર્યો છે.

મોરબી એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડને સચોટ બાતમી મળી હતી કે મી માય ઈંકો એનર્જી ઈન ડીઝલ નામના પંપનો સંચાલક પોતાના આર્થિક ફાયદા માટે ગેરકાયદેસર રીતે બહારથી જવલનશીલ પ્રવાહીના ટેન્કરો મંગાવી સ્ટોરેજ ટાંકીમાં ભરે છે અને ટ્રકોમાં ઈંધણ તરીકે વેચાણ કરે છે. આ બાતમીના આધારે નાયબ પોલીસ અધિક્ષક (વાંકાનેર વિભાગ) અને વાંકાનેર તાલુકા પોલીસ ઈન્સ્પેકટરની ટીમે સંયુકત રીતે ત્રાટકીને આ કૌભાંડ ઝડપી પાડયું હતું.

પોલીસે આ રેડ દરમિયાન સ્થળ પરથી અજીતસિંહ નવઘણસિંહ જાડેજા (સંચાલક, રહે.રાજકોટ) રવિભાઈ દાદભાઈ ધાધલ (રહે. રાજકોટ), નરેન્દ્રભાઈ પ્રવિણચંદ્ર જોશી (રહે.રાજકોટ) નયનભાઈ મોહનભાઈ મકવાણા (રહે. રાજકોટ) અને નયનભાઈ વિજયભાઈ વાળા (રહે. રાજકોટ)ની અટકાયત કરી છે.

પોલીસ તપાસમાં આ જથ્થા અંગેના કોઈપણ બિલ કે આધાર પુરાવા મળી આવ્યા હતા. આથી પોલીસે બીએનએસએસ કલમ-106 (1) મુજબ મુદ્દામાલ કબજે કરી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણવા જોગ નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીથી ગેરકાયદેસર ઈંધણ વેચતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ કામગીરી એસ.એચ. સારડા (ના.પો.અધિક્ષક) એમ.પી. પંડયા (પો.ઈન્સ. એલસીબી મોરબી) તથા વાંકાનેર તાલુકા પોલીસ તથા પીએસઆઈ વી.જી. માલાણી પેરોલ ફર્લો સ્કવોડ મોરબી તથા એલસીબી/ પેરોલ ફર્લો સ્કવોડ મોરબી તથા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.















