ટેરિફ પુર્વે જ શિપમેન્ટ થઈ શકે તે માટે કસ્ટમ હાઉસ રવિવારે પણ ચાલુ રખાયુ હતુ



અમેરિકાએ ભારતીય નિકાસ પર લાગુ કરેલા 25 ટકાના ટેરિફથી નિકાસકારોમાં સોપો પડી ગયો છે અને આવતા દિવસોમાં શુ થશે? તે વિશે મીટ મંડાવાનુ શરૂ થયુ છે

ત્યારે રાજકોટના જવેલરી એકસપોર્ટને મોટો ફટકો પડવાના એંધાણ છે.તમામ ઓર્ડરો હાલ સ્થગીત થઈ ગયા છે. હવે વૈકલ્પિક વ્યુહ નકકી કરવામાં આવી રહ્યા છે. જો કે, અમુક નિકાસકારોએ અગાઉથી જ ‘વાયા દુબઈ’ નિકાસ શરૂ કરી દીધી હતી

એટલે વાસ્તવિક ઈફેકટ કેટલા અંશે આવે છે તેનુ ચિત્ર આવતા દિવસોમાં સ્પષ્ટ થઈ શકે છે.રાજકોટના જવેલરી એકસપોર્ટરોના કહેવા પ્રમાણે રાજકોટ સોનાના દાગીનાનુ મોટુ સેન્ટર છે.

રાજકોટમાં ઘડાતા દાગીનાની નિકાસ પણ મોટી છે. જો કે, લોકલ નિકાસકારો-વેપારીઓ મોટાભાગે અમદાવાદ કે મુંબઈના એકસપોર્ટર મારફત વ્યવહાર કરતા હોય છે.

હવે અમેરિકાની 25 ટકા ટેરિફ લાગુ થઈ ગઈ છે.ત્યારે તમામ એકસપોર્ટ ઓર્ડર સ્થગીત થઈ ગયા છે. કોડ જ બંધ થઈ ગયા છે. ટેરિફ અમલી બનતા પુર્વે છેલ્લે ગત રવિવાર સુધી માલ મોકલવામાં આવ્યો હતો. ત્યારપછી નિકાસ ઓર્ડર મોકલવાનું બંધ છે. હવે કેવી સ્થિતિનુ નિર્માણ થાય છે તે વિશે ચિત્ર સ્પષ્ટ થયા બાદ વ્યવહાર શરુ થઈ શકે છે.

મહત્વની વાત એ છે કે, અમેરિકી ટેરિફ અમલી બને તે પુર્વે જ નિકાસઓર્ડરની જવેલરી પહોંચાડી શકાય તે માટે ગત રવિવારે પણ મુંબઈનુ કસ્ટમ હાઉસ ચાલુ રખાયુ હતુ અને તેમાં રાજકોટનો માલ પણ ગયો હતો.રાજકોટની નિકાસ મુખ્યત્વે મુંબઈ-અમદાવાદના નિકાસકારો મારફત થતી હોવાથી નિકાસનો આંકડો નકકી કરવાનુ મુશ્કેલ હોવાનુ જણાવતા એક એકસપોર્ટરે કહ્યુ કે ગોલ્ડ ઉપરાંત ચાંદીના દાગીનાની પણ નિકાસ રાજકોટથી થાય છે પણ પ્રમાણ ઓછુ છે અને મુખ્ય મથક જયપુર છે.

દરમ્યાન જવેલર્સ સૂત્રોએ એવો નિર્દેશ કર્યો છે કે અમેરિકા સાથે ટેરિફની મડાગાંઠ અને અનિશ્ર્ચિતતા શરૂ થઈ ત્યારથી જ અમુક નિકાસકારોએ વૈકલ્પિક નિકાસ રૂટ નકકી કરીને વ્યવહાર શરૂ કરી દીધા છે.
જે મુજબ વાયા દુબઈથી નિકાસ શરૂ કરી દેવામાં આવી હતી.દાગીના એવી વસ્તુ છે કે તેનુ ઉત્પાદન કયાં થયુ છે તેની ખરાઈ કરવાનું મુશ્કેલ હોય છે એવો પણ વિકલ્પ અજમાવાય રહ્યો છે કે દાગીનાનુ મોટાભાગનુ ઘડામણ ભારતમાં થાય, સેમી ફીનીસ્ડ તરીકે દુબઈ મોકલવામાં આવે જયાં થોડીઘણી બાકીની પ્રોસેસ પુર્ણ કરીને અમેરિકા નિકાસ થાય.
નિકાસકારોએ પણ મારુ નામ નહી દેવાની શરતે એમ કહ્યુ કે માત્ર દુબઈ જ નહીં, બેંગકોક જેવા અન્ય દેશો મારફત પણ નિકાસ શકય છે અને તેના વિકલ્પો વિચારાય છે.
























