
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આગામી ચૂંટણીઓ પહેલા ગુજરાત હાઈકોર્ટે મતાધિકારના રક્ષણ માટે એક અત્યંત મહત્વનો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે રાજ્ય ચૂંટણી પંચ પાસે મતદાર યાદીમાં નામ ઉમેરવા કે કાઢી નાખવા માટે કોઈ સ્વતંત્ર અધિકાર નથી, પરંતુ તેની પ્રાથમિક જવાબદારી વિધાનસભા મતવિસ્તારની મતદાર યાદીની નકલ તૈયાર કરવાની જ છે.

આ આદેશ સાથે અદાલતે એક મહિલા અરજદારને મોટી રાહત આપી છે, જેનું નામ પ્રાથમિક યાદી પ્રસિદ્ધ થયા બાદ મંજૂર થયું હોવાના આધારે ચૂંટણી પંચે મતદાર યાદીમાં સમાવવાનો ઇનકાર કર્યો હતો.

જસ્ટિસ એન. એસ. સંજય ગૌડા અને જસ્ટિસ જે. એલ. ઓડેદરાની ડિવિઝન બેન્ચે આ મામલે સુનાવણી કરતા જણાવ્યું હતું કે રાજ્ય ચૂંટણી પંચની એ દલીલ ટકી શકે તેમ નથી કે અરજદારનું નામ પ્રાથમિક યાદી બહાર પડ્યા બાદ ઉમેરાયું હોવાથી તેને સામેલ કરી શકાય નહીં.

કોર્ટે અવલોકન કર્યું કે એકવાર જ્યારે વિધાનસભાની મતદાર યાદીમાં નામ સામેલ કરવાની અરજી સ્વીકારવામાં આવે, ત્યારે તે કાયદેસર રીતે તે યાદીનો ભાગ બની જાય છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની મતદાર યાદીનો મુખ્ય આધાર જ વિધાનસભાની યાદી હોવાથી, તેમાં થયેલો સુધારો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પણ માન્ય ગણવો જોઈએ.

આ કેસની વિગતો મુજબ, સાબરમતી વોર્ડ નંબર 4 માં રહેતા મહિલા અરજદારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાગ લેવા માટે મતદાર યાદીમાં નામ ઉમેરવા વિનંતી કરી હતી. શરૂઆતમાં તેમનું નામ વિધાનસભાની યાદીમાં ન હોવાથી તેમણે 23 માર્ચ 2026 ના રોજ નામ ઉમેરવા માટે અરજી કરી હતી, જે 1 એપ્રિલ 2026 ના રોજ મંજૂર કરવામાં આવી હતી.

જોકે, બોમ્બે પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન્સ (મતદારોની નોંધણી) નિયમો, 1994 મુજબ પ્રાથમિક યાદી અગાઉથી પ્રસિદ્ધ થઈ ગઈ હોવાનું જણાવીને ચૂંટણી પંચે તેમને મતાધિકાર આપવાની ના પાડી હતી.

હાઈકોર્ટે પોતાના ચુકાદામાં ભારપૂર્વક જણાવ્યું હતું કે અરજદારે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ પહેલા અને નિયમો મુજબ નિર્ધારિત 10 દિવસના સમયગાળા પહેલા નામ ઉમેરવાની પ્રક્રિયા પૂર્ણ કરી લીધી હતી.

અદાલતે નિર્દેશ આપ્યો હતો કે અરજદારનું નામ સાબરમતી વોર્ડની મતદાર યાદીમાં તાત્કાલિક સામેલ કરવામાં આવે, જેથી તેઓ આગામી ચૂંટણી પ્રક્રિયામાં સહભાગી થઈ શકે. આ ચુકાદો એ તમામ મતદારો માટે આશાનું કિરણ બન્યો છે જેમના નામ ટેકનિકલ કારણોસર સ્થાનિક ચૂંટણીની યાદીમાં છૂટી ગયા હોય.












