
વાંકાનેર ખાતે આગામી તા. ૨૫ થી ૨૮ ડિસેમ્બર દરમ્યાન રાજ્યકક્ષાનો ભવ્ય અશ્વ શો યોજાવાનો છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સમગ્ર આયોજન અંગે આજે પત્રકારોને માહિતી આપતાં કેસરીદેવસિંહ ઝાલા, સાંસદે જણાવ્યું હતું કે આ અશ્વ શો રાજ્યભરના અશ્વપ્રેમીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે.

આ અશ્વ શોમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી શ્રેષ્ઠ જાતિના અશ્વો ભાગ લેશે. અશ્વોની સુંદરતા, શક્તિ, તાલીમ અને પ્રદર્શનને ધ્યાનમાં રાખી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે. સાથે જ અશ્વ સંવર્ધન, પરંપરાગત ઘોડાસવારી તથા ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા કાર્યક્રમો પણ યોજાશે.

સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ વધુમાં જણાવ્યું હતું કે અશ્વ શો માટે મેદાનની તૈયારી, સુરક્ષા વ્યવસ્થા, દર્શકો માટે બેઠક વ્યવસ્થા, પાર્કિંગ સહિતની તમામ સુવિધાઓ સુચારુ રીતે ઉપલબ્ધ કરાવવા માટે તંત્ર દ્વારા આયોજનબદ્ધ રીતે કામગીરી કરવામાં આવી રહી છે. સ્થાનિક પ્રજાજનો તેમજ રાજ્યભરના લોકો મોટી સંખ્યામાં હાજરી આપી આ ભવ્ય અશ્વ શોને સફળ બનાવે તેવી અપીલ પણ તેમણે કરી હતી.

આ અશ્વ શો વાંકાનેર માટે ગૌરવની વાત બનશે અને પર્યટન તેમજ સ્થાનિક અર્થતંત્રને પણ પ્રોત્સાહન મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.









