રાજ્યમાં ભરઉનાળે વાવાઝોડા જેવા પવન સાથે ઠંડક – કરા અને કમોસમી વરસાદ !

વેસ્ટર્ન ડિર્સ્ટબન્સની અસર સૌરાષ્ટ્ર-ગુજરાતમાં દેખાવા લાગી છે અને તા.20 સુધી ભારે પવન અને કમોસમી વરસાદની આગાહી વચ્ચે આજે મોરબી શહેરમાં બપોરે 4 વાગ્યા બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને વાવાઝોડું ફૂંકાતો તીવ્ર ગતિથી પવન સાથે કમોસમી વરસાદના અમી છાંટણા પડ્યા હતા

જયારે ગઇકાલે અમરેલીના બગસરા પંથકમાં કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો જયારે જામનગરનાં લાલપુર પંથકમાં પણ કરા સાથે હળવો વરસાદ વરસ્યો હતો.

આથી ખેડુતો ચિંતાતુર બની ગયા હતા. અદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર સહિત અનેક સ્થળે જયારે આજે પણ સવારમાં ઝડપથી પવન સાથે મીની વાવાઝોડુ ફુંકાયુ હોવાના અહેવાલો છે.

તો ગઇકાલ રાત્રીથી પણ હવામાન પલ્ટાની અસર હેઠળ ઠંડો પવન ફુંકાયો હતો. જે સવારે પણ રાજકોટ સહિત અનેક સ્થળોએ યથાવત રહેતા ઠંડકનો અનુભવ થયો હતો. જયારે મહતમ તાપમાનમાં પણ 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થઇ ગયો હતો.

ગઇકાલે રાજકોટમાં 37.5, વેરાવળમાં 30.4, અમદાવાદમાં 36.3, અમરેલીમાં 36.1, વડોદરામાં 35.4, ભાવનગરમાં 34.7, ભુજમાં 37, ડિસામાં 36.8, ગાંધીનગરમાં 35.8, કંડલામાં 35.9 તથા નલિયામાં 33.6 ડિગ્રી મહતમ તાપમાન નોંધાયુ હતું.

જયારે આજે સવારમાં અનેક શહેરોમાં ભેજવાળા હવામાન વચ્ચે ઠંડો પવન ફુંકાયો હતો તો આજે પણ 41 થી 61 કી.મી.ની ઝડપે પવન ફુંકાવા સાથે બનાસકાંઠા, પાટણ, અંબાજી, મહેસાણા, સાબરકાંઠા, પંચમહાલ, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયુ છે.

વધુમાં મળતા અહેવાલો મુજબ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી સાચી ઠરતા અમરેલી જિલ્લાના બગસરા પંથકમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને કમોસમી વરસાદ ખાબક્યો હતો. સમગ્ર પંથકમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું જે બાદ પવન અને કરા સાથે વરસાદ તૂટી પડ્યો હતો.

આ કમોસમી માવઠાને કારણે બગસરા શહેરના મુખ્ય રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા જેના લીધે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડી હતી. માત્ર શહેરમાં જ નહીં પરંતુ આસપાસના ગ્રામ વિસ્તારોમાં પણ વરસાદના વાવડ મળતા ખેતીકામમાં રોકાયેલા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.

ખાસ કરીને ખેતરોમાં તૈયાર થયેલા ઘઉં જેવા શિયાળુ પાકોને આ વરસાદથી ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોએ રાત-દિવસ મહેનત કરીને પકવેલો પાક લણણી સમયે જ પલળી જતાં ખેડૂતોને આર્થિક નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે.

જામનગર જિલ્લામાં 20મી માર્ચ સુધી પવન સાથે છુટાછવાયા વરસાદી ઝાપટા પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઇ હતી જે દરમિયાન લાલપુર ગ્રામ્ય પંથકમાં બુધવારે બપોરે વાતાવરણમાં પલટો આવતા અમુક સ્થળોએ કરા તો અમુક સ્થળોએ હળવા વરસાદી ઝાપટા પડયા હોવાના અહેવાલો મળ્યા છે.જેના કારણે ખેડૂતો ચિંતા મુક્યા હતા.

લાલપુર તાલુકાના બબજર,ગોવાણા, અપીયા ગામે ગાજવિજ સાથે કરા સાથે વરસાદ ખાબકયો હતો.ઉનાળામાં માવઠાના પગલે ખેડૂત વર્ગમાં દોડધામ મચી જવા પામી હતી. લાલપુર પંથકમાં બુધવારે બપોરના સુમારે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો.

જેમાં ખાસ કરી તાલુકાના અપીયા ગામે અમુક સમય સુધી ગાજવીજ સાથે કરા પડ્યા હતા. તે જ રીતે રિઝપર,તેભડા સહિતના આસપાસના ગ્રામ્ય પંથકમાં માવઠાના લીધે જગતનો તાત ઉપર ચીતાના વાદળ ઘેરાયા હતા.આ કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને નુકશાન થાય તેવી ભીતિ વ્યક્ત કરી હતી.

જામનગર શહેરમાં સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો.આકાશમાં વાદળોની અવરજવર જોવા મળી હતી. મહતમ તાપમાનમાં 1.5 ડિગ્રી ઘટાડા સાથે પારો 33 ડિગ્રી નોંધાયો હતો.

જયારે લઘુતમ તાપમાનમાં આંશિક ઘટાડા સાથે 22 ડિગ્રી રહ્યું હતું.તો વાતાવરણમાં ભેજનું પ્રમાણ 77 ટકા અને પવનની ગતિ પ્રતિકલાક 8.5 કિમિ નોંધાઈ હતી. પવનની વધુ ઝડપના લીધે ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો.

error: Content is protected !!