
સિંહોનું જીન-પુલ સેન્ટર, ચિતલ, સાંભર અને ચિંકારા માટે બ્રિડીંગ સેન્ટર, વન્ય પ્રાણીઓના ઉપચાર માટે દવાખાનું, પશુ ચિકિત્સક, અટેન્ડન્ટ, ઉપચાર રેસ્કયુ માટે વાહન સહિતની સુવિધા ઉપલબ્ધ

સરકારના મોરબી વન વિભાગ હસ્તકના રામપરા વન્યપ્રાણી અભ્યારણ્ય 15.01 વર્ગ કિ.મી. માં ફેલાયેલું છે અને તે મોરબી જિલ્લામાં વાંકાનેર તાલુકામાં આવેલું છે, જે મોરબી શહેરથી 50 કિ.મી. અને વાંકાનેરથી 16 કિ.મી.ના અંતરે આવેલું છે.

રામપરા વન્યપ્રાણી અભ્યારણ્ય વિષે મોરબી વન વિભાગના નાયબ વન સંરક્ષક ડો. સુનીલ કુમાર બેરવાલ (ભા.વ.સે.)એ જણાવ્યુ હતું કે, આ અભયારણ્યમાં 100થી વધુ જાતના વન્યપ્રાણીઓ જોવા મળે છે અને 20થી વધુ જાતનાં સસ્તન વર્ગના પ્રાણીઓ આ વિસ્તારમાં વસવાટ કરે છે, જેમાં દીપડા, ઝરખ, વરૂૂ (નાર), ચિંકારા, નીલગાય, જંગલીભૂંડ, શિયાળ, સસલાનો સમાવેશ થાય છે. અજગર, કોબ્રા (નાગ), વાઇપર, ધામણ જેવા સાપ ઉપરાંત ઘો અને કાચીડા મળીને 15 થી વધુ જાતનાં સરિસૃપો અહિ જોવા મળે છે તો 10 થી વધુ જાતના કરોળિયા તથા રંગબેરંગી પતંગિયાં જૈવિક વૈવિધ્યમાં ઉમેરો કરે છે.

આ વિસ્તાર માં 150થી વધુ જાતનાં સ્થાનિક તથા યાયાવર પક્ષીઓ જોવા મળે છે જેમાં મોર, ખેરખટ્ટો, બ્રાહ્મણીમેના, બુલબુલ, દરજીડો, કુત્કી, સસેતર, લાવરી, સુગરી, તેતર, ચકકરખોરા વગેરેનો સમાવેશ થાય છે. નાની સિસોટી, બતખ, દુધરાજ, ટીલાવાળી બતક અહીં માળા બનાવે છે. ચોમાસા દરમ્યાન ચાતક તથા નવરંગ (ઇન્ડીયન પીટ્ટા) અહી મહેમાન બને છે. શીકરા, બાજ જેવા શિકારી પક્ષીઓ વૈવિધ્યમાં વધારો કરે છે. શિયાળા દરમ્યાન કુંજ, પેણ, અને વિવિધ જાતની બતખ પણ આવે છે.

આ અભ્યારણ્યમાં એશિયાઈ સિંહોની જીન-પૂલ વસ્તી અને ચિત્તલ, સાંભર અને ચિંકારાના બ્રિડીંગ સેન્ટરની મહત્વપૂર્ણ કામગીરી વિશે ડો. બેરવાલ જણાવેલ કે, રામપરા અભ્યારણ્યને વર્ષ 2008માં સિંહના જીન-પૂલ વસ્તી માટે પસંદ કરવામાં આવ્યુ અને હાલમાં પ્રોજેક્ટ હેઠળ 12 સિંહ માટે 6 મોટા એન્કલોઝર છે. ચિત્તલની બ્રિડીંગ માટે પણ તેમના એન્કલોઝરમાં છાંયડા અને ખોરાકની સુચારૂૂ વ્યવસ્થા છે. ઉપચાર માટે દવાખાનું, પશુ ચિકિત્સક, એટેન્ડન્ટ, પશુઓના હેરફેર માટે વાહન સહિતની સુવિધા ઉપલબ્ધ છે. દૈનિક ખોરાક તૈયાર કરવા માટે રૂૂમ બનાવવામાં આવ્યા છે અને દેખરેખ માટે વોચ ટાવર છે. વન્યપ્રાણીઓને તેમના નૈસર્ગિક રહેઠાણમાં બિનજરૂૂરી ખલેલ ન પહોંચે તેમજ તેમના કુદરતી અને કૃત્રિમ સંવર્ધન માટે આ અભ્યારણ્ય જાહેર જનતાની અવર-જવર માટે પ્રતિબંધિત છે.

અહિના ધાસિયા વિસ્તારમાં 400 જેટલી વનસ્પતિની જાતો જોવા મળે છે. જેમાં ભૂરી શંખાવલિ જેવી લુપ્ત થતી વનસ્પતિ, ગુગળ, ખરખોડી, કેરડા, લોદરી, ખાખરો, વિકળો, સલાય, ખજુરી જેવી આયુર્વેદિક ઔષધિઓ તથા તાડ, રોહિડો, કડાયો, દેશી બાવળ, ગોરડ, સીસમ જેવાં વૃક્ષોનો સમાવેશ થાય છે. મુખ્યત્વે ઉનાળુ આબોહવા ધરાવતા આ પરિસરની ચોમાસામાં લીલોતરીની સુંદરતા ચરમસીમાએ દ્રશ્યમાન થાય છે. જયારે શિયાળામાં પાનખર બેસતાં અને ઘાસ સુકાતાં સમગ્ર વિસ્તાર સોનેરી રંગોથી સોહામણો બની જાય છે.

અભયારણ્યના ફરતે ડિસેમ્બર 2017 થી 31.08 વર્ગ કિ.મી.નો વિસ્તાર ઈકો સેન્સિટિવ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો છે, જેથી નજીકના વિસ્તારમાં વન અને વન્યપ્રાણીઓના સંવર્ધન ને ધ્યાને રાખી વિકાસની કામગીરીઓ થાય. જનજાગૃતિની પ્રવૃત્તિ હેઠળ શાળા-કોલેજના વિધાર્થીઓ માટે બે દિવસીય પ્રકૃતિ શિક્ષણ શિબિરોનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે. ચાલુ વર્ષે 17 શિબિર માં 860 વિધાર્થીઓ – શિક્ષકોએ ભાગ લીધો હતો, તેમજ સ્થાનિક ખેડૂતો માટે ખેડૂત શિબિર પણ યોજાઇ હતી.













