HomeAllરોજ બરોજના ઉપયોગમાં લેવાતી પીડીએફ ફાઈલ ફોર્મેટ એઆઈ માટે બની રહી છે...

રોજ બરોજના ઉપયોગમાં લેવાતી પીડીએફ ફાઈલ ફોર્મેટ એઆઈ માટે બની રહી છે પડકારરૂપ

બદલાતા સમય સાથે, ટેક્નોલોજી પણ કેવાં નવાં સ્વરૂપ લે છે અને એ દરમિયાન, એક સમયનું વરદાન કેવી રીતે અડચણરૂપ બને છે એનું ક્લાસિક ઉદાહરણ એટલે પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ (પીડીએફ). કોઈ પણ સોફ્ટવેરમાં તૈયાર થયેલા ડોક્યુમેન્ટની ઓનલાઇન આપલે સહેલી બનાવતી આ ટેક્નોલોજીનો હવે આપણે રાતદિવસ ઉપયોગ કરીએ છીએ, પણ હવે એ માંડ ચારેક વર્ષ પહેલાં પ્રકાશમાં આવેલી એઆઇ માટે માથાનો દુઃખાવો બની રહી છે. સમય સાથે વરદાનમાંથી અભિશાપ બનેલી બીજી ટેક્નોલોજી પણ એડોબ કંપનીની જ દેન હતી – ફ્લેશ!

ફ્લેશને કારણે એક સમયે વેબમાં રીતસર ક્રાંતિ આવી હતી. તેની મદદથી ઇન્ટરેક્ટિવ મલ્ટિમીડિયા, એનિમેશન્સ, ગેમ્સ, વેબસાઇટ્સ વગેરેનું ડેવલપમેન્ટ શક્ય બન્યું, પણ પછી તેને જ કારણે સિક્યોરિટીના સવાલો ઊભા થયા. સદભાગ્યે, એચટીએમએલ૫ જેવી ટેકનોલોજી વિકસતાં ફ્લેશને વિદાય આપવામાં આવી.

પીડીએફમાં અત્યારે ફ્લેશ જેવો, સિક્યોરિટીનો સવાલ ઊભો થયો નથી, પણ એ જરા જુદી રીતે, એઆઇનો પૂરો લાભ લેવામાં નડતરરૂપ બની રહી છે. અલબત્ત, તેના ઉપાય શોધાઈ રહ્યા છે, પીડીએફ તો રહેશે!

તમે લગભગ રોજેરોજ વોટ્સએપમાં કોઈ ને કોઈ પીડીએફ ફાઇલ રીસિવ કરતા હશો – મેડિકલ ટેસ્ટનાં રિઝલ્ટ્સ પણ તમને લેબ તરફથી પીડીએફ ફાઇલ સ્વરૂપે આવતાં હશે. આવી પીડીએફ આપણે રોજ ઓપન કરતા હોઈએ, પણ એ ખરેખર શું છે, કઈ રીતે તૈયાર થાય છે, શા માટે પીડીએફ ફાઇલ બનાવવામાં આવે છે એ બધા મુદ્દા તરફ આપણે ધ્યાન આપતા નથી.

પીડીએફ એક્ઝેક્ટલી શું છે?

લગભગ ૩૩ વર્ષ પહેલાં, જૂન ૧૯૯૩માં એડોબ કંપનીએ પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ (પીડીએફ)ની દુનિયાને ભેટ આપી ત્યારે આપણને સૌને ખરેખર બહુ ઉપયોગી બાબતનો લાભ મળ્યો. એ સમયે (અને હજી પણ) કોઈ ડોક્યુમેન્ટ ક્રિએટ કરવા માટે ઉપયોગમાં લેવાતા પ્રોગ્રામ કે સોફ્ટવેર બધા લોકોના કમ્પ્યૂટરમાં હોય જ એવું ન બને. આથી કોઈ વ્યક્તિએ પોતાની કંપનીનું બ્રોશર કોરલડ્રો જેવા પ્રોગ્રામમાં બનાવ્યું હોય અને એ જ ફાઇલ ફોર્મેટમાં તેને અન્ય લોકોને મોકલવામાં આવે, તો જે લોકોના કમ્પ્યૂટરમાં કોરલડ્રો પ્રોગ્રામ ન હોય એ લોકો એ ફાઇલ ઓપન કરી શકે નહીં!

એડોબે વિકસાવેલી પીડીએફ ટેકનોલોજીથી આ સમસ્યાનો સચોટ ઉપાય મળી ગયો. પીડીએફ ફાઇલ એ પ્રોગ્રામ જે કમ્પ્યૂટર કે સ્માર્ટફોનમાં ન હોય એમાં પણ મૂળ પ્રોગ્રામમાં ડિઝાઇન થયેલ હોય એ જ ફોર્મેટમાં ઓપન કરીને જોઈ શકાય.

પીડીએફ હવે નડે છે એઆઇને

અહીં સુધી તો બધું બરાબર. ડોક્યુમેન્ટ શેરિંગ બાબતે જે મોટા અવરોધ હતા એ બધા એડોબ કંપનીએ વિકસાવેલી પીડીએફ ટેકનોલોજીથી ઉકેલાઈ ગયા. પરંતુ તેંત્રીસ વર્ષ જૂની આ ટેકનોલોજી હજી હમણાં હમણાં આવેલી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) ટેકનોલોજી માટે માથાનો દુઃખાવો બની રહી છે!

આપણે એઆઇ સર્વિસમાં પીડીએફ ફાઇલ પણ અપલોડ કરી શકાય છે. પરંતુ પીડીએફ ફાઇલમાં જે કંઈ હોય એ બધું સચોટ રીતે સમજવામાં એઆઇને પણ ફાંફાં પડી રહ્યાં છે.

પીડીએફની જે શક્તિ છે એ જ એઆઇ બાબતે તેની મર્યાદા બની ગઈ છે. અનેક એલીમેન્ટ્સ અને હેડિંગ, બોક્સ જેવા ડિઝાઇન એલીમેન્ટ્સ વળી PDF ફાઇલ બીજાને મોકલવામાં આવે ત્યારે તેઓ તેને પોતાના કમ્પ્યૂટર કે સ્માર્ટફોનમાં ઓપન કરીને તેને એ જ ડિઝાઇનમાં જોવાની મજા માણી શકે. પરંતુ એ જ પીડીએફ ફાઇલ જ્યારે એઆઇને આપવામાં આવે ત્યારે તે એક પેજમાં છૂટીછવાયી રીતે ગોઠવાયેલી જુદી જુદી બાબતો સમજવામાં ગોથાં ખાવા લાગે છે!

એઆઈ ડિઝાઇન થયેલા બ્રોશર કે ન્યૂઝલેટરમાં એકથી વધુ કોલમ હોય ત્યારે માણસની જેમ એઆઇ પહેલી કોલમમાંની ટેકસ્ટ વાંચે અને પછી બીજી કોલમ વાંચવા તરફ આગળ વધે એવું થતું નથી. એઆઇ પહેલી કોલમમાંની પહેલી લીટી પૂરી થાય ત્યાંથી કૂદકો લગાવીને બીજી કોલમની પહેલી લીટી વાંચવા તરફ આગળ વધી જાય છે! દેખીતું છે કે આ બંને લીટીમાંની ટેકસ્ટમાં કોઈ માથા મેળ હોય નહીં. આથી એઆઇ ગૂંચવાડે ચડી જાય છે.

ઉપાય શોધાવા લાગ્યા છે

જોકે ટેક કંપનીઓ આનો પણ ઉપાય શોધવા લાગી છે. અગાઉ ગૂગલ સર્ચમાં ઇમેજ ટેબમાં જઇને આપણે એકથી વધુ કોલમમાં ટેકસ્ટ ધરાવતી ઇમેજ અપલોડ કરીએ ત્યારે એ પણ હાલની એઆઇની જેમ કોલમને ક્રમબદ્ધ રીતે વાંચી શકતી નહોતી. હવે તેમાં સુધારો થયો છે. આવી સર્વિસ ઇમેજમાંની ટેકસ્ટને યોગ્ય રીતે તારવીને ક્રમબદ્ધ કોલમમાં જ સિલેક્ટ કરી શકે છે અને આપણે આવી સિલેક્ટ થયેલી ટેકસ્ટ કોપી કરીને અન્ય જગ્યાએ એડિટેબલ ટેકસ્ટ તરીકે લઇ જઇ શકીએ છીએ.

બરાબર એ જ રીતે હવે વિવિધ એઆઇ સર્વિસને એકથી વધુ કોલમ કે ડિઝાઇન એલિમેન્ટ્સ ધરાવતી પીડીએફ ફાઇલને પણ યોગ્ય રીતે વાંચવા માટે નવેસરથી ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!