ચોમાસામાં દર વર્ષે એક જ જગ્યાએ કેમ પાણી ભરાય છે?, આજ સુધી નોંધ કેમ નથી લેવાઈ?, તમામ મનપા-નગરપાલિકાઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજી ભૂપેન્દ્રભાઈએ સતાધીશોને આડે હાથ લીધા

ચોમાસાની શરૂઆત થતાં જ ગુજરાતભરના શહેરો, ગામડાઓ અને રોડ રસ્તાઓ તુટી જવાની ઘટનાઓ બહાર આવી છે. અને આ મુદ્દાને વિપક્ષે પણ હથિયાર બનાવી સરકાર ઉપર માછલા ધોવાનું ચાલુ કર્યુ છે. તેવી જ રીતે શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાંથી ફરિયાદોનો ધોધ મુખ્યમંત્રી સુધી પહોંચતા સરકાર સફાળી જાગી છે. અને આ મુદ્દે તમામ વિભાગો સાથે સંકલન કરવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આજે તમામ કોર્પોરેશનો, નગરપાલિકાઓ, પંચાયતો, હાઈવે ઓથોરીટી, માર્ગમકાન વિભાગ સહિતના અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજી નબળા રોડ-રસ્તા બનાવનાર એજન્સીઓને બ્લેક લીસ્ટ કરી લોકોની ફરિયાદનું તુરંત નિરાકરણ લેવામાં આવે તેવો આદેશ જારી કરતા તંત્ર દોડતુ થઈ ગયું છે.

ચોમાસાએ વહેલી દસ્તક દીધા બાદ આ વર્ષે વરસાદી પાણીના કારણે રોડ રસ્તાઓને વધુ ધોવાણ થઈ ગયાનું બહાર આવ્યું છે. શહેરો તેમજ ગામડાઓ અને હાઈવે ઉપર ખાડાઓના સામ્રાજ્ય છવાઈ જતાં પબ્લીકમાં દેકારો બોલી ગયો છે. અને આ મુદ્દાને હથિયાર બનાવી વિપક્ષોએ પણ સરકાર ઉપર માછલા ધોવાનું ચાલુ કર્યુ છે. નગર પાલિકાઓ અને કોર્પોરેશનમાં ખરાબ રોડ રસ્તા મુદ્દે ફરિયાદોના ધોધ વહ્યા છે. તેવી જ રીતે આ પ્રકારની ગુજરાતભરમાંથી ફરિયાદો મુખ્યમંત્રી સુધી પહોંચતા હવે આ મુદ્દે કડક પગલા લેવા પડશે. તેવો નિર્ણય લઈ મુખ્યમંત્રીએ આજે તમામ મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, ગ્રામ પંચાયતો, હાઈવે ઓથોરીટી અને માર્ગ મકાન વિભાગ સહિતના અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજી હતી.

આજે 11 વાગ્યે યોજાયેલ વીડિયો કોન્ફરન્સમાં અમદાવાદ અને ગાંધીનગરના અધિકારીઓ રૂબરૂ હાજર રહ્યા હતા ત્યારે બાકીના વિભાગો સાથે વીડિયો કોન્ફરન્સ યોજી મુખ્યમંત્રીએ જણાવેલ કે, રોડના કામની ગુણવત્તા સુધારો નબળા કામ કરનાર એજન્સીઓને ફરી વખત કામ ન આપી તેમને બ્લેક લીસ્ટ કરવામાં આવેલ તેવી જ રીતે હવે પછી રોડ રસ્તા માટે જે ટેન્ડર કરવામાં આવે તેમાં આ મુદ્દે ખાસ શરતોનો ઉમેરો કરવામાં આવે.

મુખ્યમંત્રીએ વધુમાં જણાવેલ કે, વર્ષોથી લોકોની ફરિયાદો ઉઠવા પામી છે. જેનું સંકલન કરતા માલુમ પડેલ કે, ચોમાસામાં દર વર્ષે એક જ જગ્યાએ પાણી શા માટે ભરાઈ રહ્યું છે ત્યાં હાલત કેમ સુધરતી નથી. લોકોમાં ફરિયાદ ઉઠે ત્યાર બાદ તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવતી હોય છે.

આથી રોડ રસ્તાના ટેન્ડર પ્રસિદ્ધ કર્યા બાદ વાપી અને વડોદરાને લઈને સુચારુ આયોજન કરવું જોઈએ તેમ જણાવ્યું હતું. તેવી જ રીતે હાઈવે ઓથોરીટીના અધિકારીઓને સુચના આપી જણાવેલ કે, હાઈવેના કામો મોટે ભાગે ગેરંટીમાં થતાં હોય છે. ત્યારે રોડ તુટી જવાની ઘટનામાં એજન્સી પાસે તાત્કાલીક ધોરણે કામ કેમ કરાવવામાં નથી આવતું. અને નબળા કામ થયા હોય તો પણ આ એજન્સીને શા માટે ફરી વખત કામ આપવામાં આવી રહ્યું છે. તેની તપાસ પણ થવી જોઈએ આમ આજે મુખ્યમંત્રીએ વીડિયો કોન્ફરન્સ યોજી છેલ્લા ઘણા સમયથી ગુજરાતભરમાંથી ઉઠી રહેલ રોડ રસ્તાની ફરિયાદો બાબતે કમિશનરો તેમજ ઉચ્ચ અધિકારીઓને આડેહાથ લેતા આજથી જ તંત્ર દોડતુ થઈ ગયું છે.

























