સરદાર સરોવર ડેમમાં હાલ 53 ટકાથી વધુ પાણીનો જથ્થો છે. ચોમાસાની શરૂઆત પહેલા રાજ્યમાં હાલની સ્થિતિએ સરદાર સરોવર સહિત 207 જળાશયોમાં 44 ટકાથી વધુ જળ સંગ્રહ છે. ગત વર્ષે આ સમયે રાજ્યના 207 જળાશયોમાં 40.81 ટકા જળ સંગ્રહ હતો.

ચાલુ વર્ષે આગામી દિવસોમાં ચોમાસાનું ગુજરાતમાં આગમન થવા જઈ રહ્યું છે ત્યારે ગત વર્ષે સાર્વત્રિક અને પૂરતા પ્રમાણમાં વરસાદ થયો હોવાના પરિણામે હાલની સ્થિતિએ સરદાર સરોવર સહિત રાજ્યના 207 જળાશયોમાં કુલ સંગ્રહશક્તિના 44.18 ટકા જળ સંગ્રહ છે.

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં કુલ સંગ્રહશક્તિના 53.04 ટકા પાણી ઉપલબ્ધ છે. જેમાંથી આગામી સમયમાં નાગરિકોને જરૂરી પાણી ઉપલબ્ધ કરાવવામાં આવશે. ગત વર્ષે આ સમયે એટલે કે, તા. 10 જૂન-2024ની સ્થિતિએ રાજ્યના 207 જળાશયોમાં 40.81 ટકા જળ સંગ્રહ હતો તેમ જળ સંપત્તિ વિભાગ ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

વધુમાં મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં સૌથી વધુ 44.08 ટકા જળ સંગ્રહ, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 43.25 ટકા જળ સંગ્રહ, ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 29.38 ટકા, સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 28.10 ટકા અને કચ્છના 20 જળાશયોમાં 27.57 ટકાથી વધુ જળ સંગ્રહ ઉપલબ્ધ છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં અને જળ સંપત્તિ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા તેમજ રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલના નેતૃત્વમાં સરકારે સુજલામ સુફલામ જળસંચય અભિયાન, નલ સે જલ અભિયાન જેવા જળ સંચયના અનેક અભિયાનો શરૂ કર્યા હોવાથી જળ વ્યવસ્થાપન ક્ષેત્રે ગુજરાત આત્મનિર્ભર બન્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરેલા ‘કેચ ધ રેઈન’ના આહ્વાનને સાકાર કરવા ગુજરાતમાં ‘કેચ ધ રેઈન- સુજલામ સુફલામ જળ અભિયાન 2.0’નો મહેસાણાના દવાડાથી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો હતો.

આ સિવાય સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા ધોળીધજા તેમજ મોરબીના મચ્છુ-3 જળાશયમાં હાલ 91 ટકાથી વધુ પાણી ઉપલબ્ધ છે. જ્યારે કચ્છના કાલાઘોઘા જળાશયમાં 82 ટકાથી વધુ, રાજકોટના ભાદર-2માં 77 ટકાથી વધુ, છોટા ઉદેપુરના સુખી જળાશયમાં 74 ટકાથી વધુ તેમજ રાજકોટના આજી-2માં 73 ટકાથી વધુ પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે.

જ્યારે રાજ્યના 06 જળાશયો 70 થી 100 ટકા, 20 જળાશયો 50 થી 70 ટકા તેમજ 71 જળાશયો 25 થી 50 ટકા વચ્ચે ભરાયેલા છે. જેના પરિણામે ઉનાળા દરમિયાન પણ રાજ્યમાં ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં નાગરિકોની જરૂરિયાત મુજબ પૂરતા પ્રમાણમાં પાણી પૂરું પાડવામાં આવ્યું છે તેમ, યાદીમાં વધુમાં જણાવાયું છે.






















