
હાડકાં આપણા શરીરનો મુખ્ય આધાર છે. તેના વગર શરીરના માળખાની કલ્પના કરવી પણ અશક્ય છે. હાડકાં માત્ર શરીરને આકાર જ નથી આપતા, પરંતુ મહત્ત્વના અંગોને સુરક્ષા કવચ પણ પૂરું પાડે છે. જોકે, આપણી રોજિંદી કેટલીક એવી ભૂલો છે જે દેખીતી રીતે સામાન્ય લાગે છે,

પરંતુ તે હાડકાંને ગંભીર નુકસાન પહોંચાડી રહી છે. જો આ ટેવ સમયસર સુધારવામાં ન આવે, તો સાંધાનો દુખાવો અને કરોડરજ્જુની સમસ્યાઓ જીવનભરનો સાથ બની શકે છે. એવામાં જાણીએ એવી કઈ 4 આદતો છે જે તમારા હાડકાના સ્વાસ્થ્યમાં નુકસાનકારક સાબિત થઈ શકે છે.

1. મીઠાનું વધુ પડતું સેવન
આપણી સૌથી સામાન્ય ભૂલ ખોરાકમાં જરૂરિયાત કરતાં વધુ મીઠું લેવાની છે. મીઠાનું વધુ પડતું સેવન માત્ર બ્લડ પ્રેશર જ નથી વધારતું, પરંતુ તે હાડકાંમાંથી કેલ્શિયમને ઘટાડવાનું કામ પણ કરે છે. જ્યારે શરીરમાં સોડિયમનું પ્રમાણ વધે છે, ત્યારે તે પેશાબ વાટે કેલ્શિયમને બહાર કાઢી નાખે છે, જેનાથી હાડકાં નબળા પડવા લાગે છે.

2. બેસવા અને ઉઠવાની ખોટી રીત
આજના ડિજિટલ યુગમાં ઓફિસમાં કલાકો સુધી ખુરશી પર બેસીને કામ કરવું પડે છે. ઘણીવાર આરામ મેળવવા માટે આપણે ખોટી રીતે ઝૂકીને કે વાંકા વળીને બેસીએ છીએ. આ ખોટું પોશ્ચર સીધી રીતે કરોડરજ્જુ પર દબાણ લાવે છે. લાંબા ગાળે આ આદત સ્પોન્ડિલાઈટિસ કે કમરના કાયમી દુખાવામાં પરિણમી શકે છે.

3. દારૂનું સેવન
દારૂ માત્ર લિવર કે કેન્સર જેવી બીમારીઓ માટે જ જવાબદાર નથી, પણ તે હાડકાંની મજબૂતી પણ છીનવી લે છે. આલ્કોહોલના સેવનથી શરીર કેલ્શિયમ અને વિટામિન-ડીને શોષી શકતું નથી. આનાથી હાડકાંની ઘનતા(Density) ઘટી જાય છે અને તે બરડ બની જાય છે, જેનાથી ફ્રેક્ચર થવાનું જોખમ વધી જાય છે.

4. અપૂરતું પોષણ અને તડકાનો અભાવ
જો તમારા ડાયટમાં કેલ્શિયમ અને વિટામિન-ડીની ઉણપ હશે, તો હાડકાં વહેલા ખોખલા થઈ જશે. દૂધ, પનીર, માખણ અને લીલા પાંદડાવાળા શાકભાજી કેલ્શિયમનો શ્રેષ્ઠ સ્ત્રોત છે. આ ઉપરાંત, વિટામિન-ડી મેળવવા માટે દરરોજ 10થી 20 મિનિટ સવારના કુમળા તડકામાં બેસવું અનિવાર્ય છે. પોષણના અભાવે હાડકાં અંદરથી પોલા થઈ જાય છે જેને મેડિકલ ભાષામાં ઓસ્ટિયોપોરોસિસ કહેવાય છે.










