
રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા(RBI)ના રેપો રેટ ઘટાડવાના નિર્ણય બાદ, દેશની સૌથી મોટી બૅન્ક ભારતીય સ્ટેટ બૅન્ક(SBI)એ તેના કરોડો ગ્રાહકોને મોટી રાહત આપી છે. SBIએ વ્યાજ દરોમાં25 બેસિસ પોઇન્ટ્સ(BPS)નો ઘટાડો જાહેર કર્યો છે, જેના કારણે હોમ લોન સહિત તમામ લોન સસ્તી થશે. આ નિર્ણય હેઠળ, SBI તેના વિવિધ ધિરાણ દરો જેવા કે માર્જિનલ કોસ્ટ ઑફ ફંડ્સ-બેઝ્ડ લેન્ડિંગ રેટ(MCLR), ઍક્સટર્નલ બેન્ચમાર્ક લેન્ડિંગ રેટ(EBLR), રેપો લિન્ક્ડ લેન્ડિંગ રેટ(RLLR), બેન્ચમાર્ક પ્રાઇમ લેન્ડિંગ રેટ(BPLR) અને બેઝ રેટમાં પણ ઘટાડો કરશે.

EBLR ઘટીને 7.90% થઈ
SBI દ્વારા કરવામાં આવેલા આ ઘટાડા બાદ, બૅન્કનો ઍક્સટર્નલ બેન્ચમાર્ક લિન્ક્ડ વ્યાજ દર(EBLR) 25 બેસિસ પોઇન્ટ્સ ઘટીને 7.90% થઈ જશે. આ નવા દરો 15 ડિસેમ્બર, 2025થી લાગુ થશે. ઉલ્લેખનીય છે કે, RBIએ ગ્રોથને ટેકો આપવા માટે ગયા સપ્તાહે રેપો રેટમાં 25 બેસિસ પોઇન્ટ્સનો ઘટાડો કર્યો હતો, જેના પગલે SBIએ આ નિર્ણય લીધો છે.

તમારી EMIમાં કેટલી બચત થશે?
જો તમે EBLR આધારિત ₹30 લાખ સુધીની લોન 20 વર્ષના સમયગાળા માટે લીધી છે અને હાલમાં વ્યાજ 8% છે, તો તમારી EMI ₹25,093 હશે. હવે, 25 બેસિસ પોઇન્ટના ઘટાડા પછી, આ EMI ઘટીને ₹24,628 થઈ જશે.

IOBએ પણ વ્યાજદરમાં ઘટાડો કર્યો
દેશની અન્ય અગ્રણી બૅન્ક ઇન્ડિયન ઓવરસીઝ બૅન્કે(IOB) પણ 15 ડિસેમ્બરથી તેના લોન દરોમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. IOBએ તેના EBLRને 8.35%થી ઘટાડીને 8.10% કર્યો છે, જે 25 બેસિસ પોઇન્ટ્સનો ઘટાડો દર્શાવે છે. આ ઉપરાંત, બૅન્કે ત્રણ મહિનાથી લઈને ત્રણ વર્ષ સુધીની તમામ અવધિ માટે MCLRમાં પણ 5 બેસિસ પોઇન્ટ્સનો ઘટાડો મંજૂર કર્યો છે.






