
અત્યંત પવિત્ર ગણાતા શ્રાવણ માસની શરૂઆત આજથી થઈ રહી છે. શ્રાવણ માસને ધર્મ અને ભક્તિ માટે વિશેષ મહત્વ આપવામાં આવે છે. આ પવિત્ર અવસરે માતૃશ્રી વિરબાઈ માં માનવ સેવા તથા ગૌ સેવા ટ્રસ્ટ દ્વારા સતત ત્રીજા વર્ષ માટે સેવારૂપ આયોજન કરવામાં આવ્યું છે.

આ અંતર્ગત સમગ્ર શ્રાવણ માસ દરમ્યાન મોરબીના સિવિલ હોસ્પિટલમાં દર્દીજનો અને તેમના સાથીઓ માટે દરરોજ બપોરે ફરાળ સાથે મીઠાઈ તથા ઠંડી છાસ, તેમજ સાંજે કઢી-ખીચડીનું નિઃશુલ્ક ભોજન આપવામાં આવશે.

આ સેવાયજ્ઞ શ્રીમતી માલાબેન જીતેન્દ્રભાઈ કક્કડના સહયોગથી સંપન્ન થવાનો છે. ટ્રસ્ટની સ્થાપિકા અલ્પાબેન કક્કડએ જણાવ્યું હતું કે, “દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રાવણ માસે ભોજન સેવા સાથે માનવતાની ભાવના નિભાવવાનું અમારું ધ્યેય છે.”

આ સેવા કાર્યક્રમ શ્રાવણ માસ દરમ્યાન દરરોજ ચાલશે અને તેથી મોરબીના જરૂરિયાતમંદો માટે આ ભોજન સેવા આશીર્વાદરૂપ સાબિત થશે એવી આશા છે.


























