
આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. શ્રાવણ મહિનો શિવભક્તિ માટે ખાસ માનવામાં આવે છે.

શિવ ઉપાસકો દ્વારા આખો મહિનો ભગવાન ભોળાનાથની આરાધના કરીને વિશેષ પૂણ્યનું ભાથું બાંધવામાં આવે છે. ત્યારે શ્રાવણ માસને લઈને મોરબીના વિવિધ શિવ મંદિરોમાં વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે.

તહેવારોની શૃંખલા સાથે પવિત્ર શ્રાવણમાસનો પ્રારંભથતા જ મોરબીના એલ.ઈ. કોલેજ રોડ પર આવેલા પૌરાણિક અગ્નેશ્વર મહાદેવ મંદિર, ગ્રીન ચોક પાસે આવેલ કુબેરનાથ મહાદેવ મંદિર, ભડીયાદ નજીક આવેલ જંગલેશ્વર મહાદેવ મંદિર, સામાકાંઠે આવેલા સ્વયંભૂ શોભેશ્વર મહાદેવ મંદિર, રફાળેશ્વર ખાતે આવેલ પૌરાણિક રફાળેશ્વર મહાદેવ મંદિર, વાંકાનેર નજીક આવેલ જડેશ્વર મહાદેવ મંદિર, તીથવા નજીક આવેલ ભંગેશ્વર મહાદેવ મંદિર,

લજાઈ નજીક આવેલ ભીમનાથ મહાદેવ મંદિર તેમજ શંકર આશ્રમની જગ્યામાં આવેલા પૌરાણિક સ્વયંભૂનિલકંઠ મહાદેવ મંદિરમાં સહિતના વિવિધ શિવાલયોમાં વિશેષ શણગાર કરવામાં આવ્યા છે.

મોરબીના એલઈ કોલેજ રોડ ખાતે આવેલ અગ્નેશ્વર મહાદેવ મંદિરના જેઠાલાલ પંડયાએ જણાવ્યું હતું કે, શ્રાવણ માસને લઈને મંદિરે આકર્ષક ડેકોરેશન કરવામાં આવ્યું છે.

શ્રાવણ માસ દરમિયાન દરરોજ મંદિરે પૂજા, આરતી અને બ્રહ્મ ભોજન સહિતના કાર્યક્રમો થશે. આ ઉપરાંત શ્રાવણ માસના બીજા મંગળવારે દર વર્ષની પરંપરા પ્રમાણે યોજાશે જેમાં આશરે ૨ હજાર જેટલા ભાવિકો પ્રસાદ લેશે.

જયારે શોભેશ્વર મહાદેવ મંદિરના મહંત જીજ્ઞેશપરીએ જણાવ્યું હતું કે, દરરોજ સવારે અને સાંજે મહાઆરતી,દિપમાળા સાથે મહાદેવજીને આખો મહિનો દરરોજ અલગ અલગ શણગાર કરવામાં આવશે.

સાથે જ અહીં શ્રાવણ મહિના દર સોમવારે સાંજે ફરાળ અને ભોજન પ્રસાદનું આયોજન ભાવિકોમાટે કરાયું છે. પ્રથમ બે સોમવારે મંદિરે મેળો પણ યોજાશે. આ ઉપરાંત સાતમ-આઠમના કાનુડાની મઢુલી બનાવવામાં આવશે અને આરતી કરવામાં આવશે.

શંકર આશ્રમની જગ્યામાં આવેલા પૌરાણિક સ્વયંભૂ નિલકંઠ મહાદેવ મંદિરમાં પણ શ્રાવણ મહિનો ભક્તિભાવથી ઉજવવામાં આવશે, મંદિરના મહંત ગુલાબગીરીએ જણાવ્યું હતું કે, મંદિરને લાઇટિંગથી શણગારી દેવાયું છે. શ્રાવણ માસમાં મંદિરે દરરોજ સવારે મંગળા આરતી થશે, લઘુરૂદ્ર થશેઅને સાંજે મહાપૂજા અને દિપમાળાનું આયોજન થશે.






















