
અમદાવાદ : શ્રી કંસારા ઉત્કર્ષ સેવા સંસ્થાન, અમદાવાદના પ્રેરણાદાયી પ્રયાસોથી કંસારા જ્ઞાતિના લગ્નોત્સુક યુવક–યુવતિઓ માટે પરિચય સંમેલન – 2025 નું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલન 21 ડિસેમ્બર, 2025 ના રવિવારે અમદાવાદ સ્થિત શ્રીજી ધામ ગુરૂકુલ, શ્રી સ્વામિનારાયણ મંદિર, સાયન્સ સીટી સામે યોજાશે.

આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સમાજના યુવક–યુવતિઓને યોગ્ય જીવનસાથી પસંદગી માટે એક સુરક્ષિત અને પારદર્શક મંચ પૂરો પાડવાનો છે. પરંપરા અને આધુનિકતાને જોડતી વ્યવસ્થા દ્વારા પરિવારજનો સાથે સામૂહિક પરિચય થવાની અનોખી તક મળશે. સાથે જ સમાજમાં એકતા, વિશ્વાસ અને સદભાવના મજબૂત કરવાની દિશામાં આ સંમેલન મહત્વની ભૂમિકા નિભાવશે.

વર્તમાન સમયમાં નોકરી, વ્યવસાય અને શિક્ષણની વ્યસ્તતાને કારણે યુવક–યુવતિઓ માટે વ્યક્તિગત સંપર્કો મર્યાદિત થઈ રહ્યા છે. આવા સમયમાં આ પ્રકારનું સંમેલન જરૂરિયાત બની ગયું છે, જ્યાં સુરક્ષિત અને વિશ્વસનીય માધ્યમ દ્વારા જીવનસાથીની પસંદગી સરળ બને છે.

આ સંમેલનની કેટલીક વિશેષતાઓમાં ઉમેદવારોની વિગતવાર બાયોડેટા બુકલેટનું પ્રકાશન, આધુનિક ટેક્નોલોજી દ્વારા PowerPoint / Screen પ્રેઝન્ટેશન મારફતે ઉમેદવારની માહિતી રજૂઆત અને Online Registration System જેવી સુવિધાનો સમાવેશ થાય છે.
કંસારા ઉત્કર્ષ સેવા સંસ્થાન દ્વારા યોજાતા આ પરિચય સંમેલનથી સમાજના યુવક–યુવતિઓને જીવનસાથી શોધવામાં સરળતા મળશે તેમજ સમાજમાં નવી ઉર્જા અને એકતા વધશે.


















