HomeAllતોફાની વરસાદથી 'સુરત' ના હાલ 'બદસૂરત', અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા

તોફાની વરસાદથી ‘સુરત’ ના હાલ ‘બદસૂરત’, અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા

સુરતમાં સોમવારથી સતત ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. જેના લીધે સુરતની ‘સૂરત’ બદલાઇ ગઇ છે. સુરત ‘સ્માર્ટ સિટી’ના બદલે લેક સિટી બની ગયું છે. ભારે વરસાદના લીધે ખાડીમાં પૂરની સ્થિતિ સર્જાઇ છે. ત્યારે પુણા-કુંભારિયા વિસ્તારમાં આજે સવારે એક યુવક ખાડીમાં યુવક તણાઇ જતાં ફાયરની ટીમે યુવક શોધખોળ આદરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના ખાડી વિસ્તારમાં અચાનક પ્રવાહ વધતા ત્રણ જેટલા યુવકો ત્રણાયા હોવાની ઘટના સામે આવી હતી. આ ઘટના પુણા-કુંભારિયામાં બની હતી. ત્રણ યુવકો પૈકી બે યુવકોને ફાયર બ્રિગેડની ટીમ હેમખેમ બચાવી લીધા હતા. જોકે અર્જુન (ઉ.વ.18) નામનો યુવક હજુ સુધી ગુમ છે, ફાયર ટીમ યુવક શોધખોળ ચાલી રહી છે.

સુરતના અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા

સુરત શહેર છેલ્લા બે દિવસથી જળબંબાકાર થઈ ગયું છે. 24 કલાકમાં 13 ઇંચ વરસાદ ખાબકતાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો. ત્યારબાદ આજે ફરી મેઘરાજાએ ધમાકેદાર બેટીંગ કરતાં ખાડી પૂરથી અનેક વિસ્તાર અસરગ્રસ્ત થયાં છે. સુરતના અનેક વિસ્તાર બેટ અને તળાવમાં ફેરવાઇ ગયા છે. સોમવારે માંડ પાણી ઉતર્યા ત્યાં ગત રાત્રીથી ભારે વરસાદ સાથે જિલ્લામાં પડેલા વરસાદના કારણે લિંબાયત, વરાછા પાલનપોર, મોટા વરાછા, યોગીચોક અને અઠવા ઝોનના ખાડી કિનારાના વિસ્તારમાં ખાડીના પાણી ઘૂસી ગયા છે. છેલ્લા બે દિવસથી સુરતીઓના હાલ ખરાબ છે લોકો ત્રસ્ત છે.

ત્રણેક ફૂટ જેટલા પાણીના કારણે વાહન વ્યવહાર થંભી ગયો

પાલનપોર વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ ન થયો હોવાની વ્યાપક ફરિયાદ સાથે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો ફરિયાદ કરતાં કહે છે, પાલ સીએનજી પમ્પથી પાલનપોર કેનાલ રોડ વિસ્તારમાં વોક વે બનાવ્યો છે. 

આ વોક વે કરતાં આસપાસની સોસાયટી ઘણી નીચી છે અને વોક વેની આસપાસ વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય નિકાલ નથી. તેથી આ વરસાદમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. પાલિકાને અનેક ફરિયાદ કર્યા છતાં પણ  ફરિયાદ સાંભળવામાં આવી ન હતી અને રાત્રિ દરમિયાન તથા વહેલી સવારે પણ પાણીનો ભરાવો થયો છે. પાલનપોર વિસ્તારથી અડાજણ, તથા શહેરમાં જવા માટે આ મુખ્ય માર્ગ છે પરંતુ આજે પણ ત્રણેક ફૂટ જેટલા પાણીના કારણે વાહન વ્યવહાર થંભી ગયો હતો.

સરકારી સ્કૂલોમાં રજા જાહેર

સુરત શહેરમાં બીજા દિવસે પણ ધમાકેદાર વરસાદ ચાલુ રહ્યો હતો. જેથી આજે પણ સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની તમામ સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે. સવારની પાળીમાં રજા જાહેર થઈ છે, જ્યારે બપોરની પાણીમાં સ્થિતિ મુજબ નિર્ણય કરવા માટે સૂચના આપવામાં આવી છે.

આજે ફરી સુરતમાં મેઘમહેર

આજે વહેલી સવારે 6:00 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં સુરતના બારડોલીમાં વરસાદ આફત બની તૂટી પડ્યો હતો. માત્ર 4 કલાકમાં 4.8 ઇંચ વરસાદ ખાબક્યો હતો.  જ્યારે તાપીના વ્યારામાં 3.98 ઇંચ, વાપીમાં 3.94 ઇંચ, તાપીના સોનગઢમાં 3.54 ઇંચ, ઉમરાપાડામાં 3.03 ઇંચ, ભરૂચના નેત્રંગમાં 2.99 ઇંચ, નર્મદાના દેડિયાપાડા 2.91 ઇંચ, સુરતના મહુવામાં 2.91 ઇંચ, નર્મદાના નાંદોદમાં 2.76 ઇંચ, સુરતના માંડવીમાં 2.48 ઇંચ, સુરત શહેરમાં 2.2 ઇંચ અને સુરતના કામરેજમાં 2.1 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે  10 તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

error: Content is protected !!