
ome ટી20 વર્લ્ડકપમાં આજે શ્રીલંકાએ મોટો અપસેટ સર્જી ઓસ્ટ્રેલિયાને 8 વિકેટે હરાવી સુપર-8 માટે ક્વોલિફાય કરી લીધું છે. આ સાથે ઓસ્ટ્રેલિયાનો વર્લ્ડકપ સફર લગભગ ખતમ થઈ ગયો છે. ઓસ્ટ્રેલિયાની ટીમ 181 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી, જેની સામે શ્રીલંકાની ટીમે નિસાંકાની સદીની મદદથી બે વિકેટે 184 રન નોંધાવી મેચ જીતી લીધી છે. આ મેચની સૌથી ખાસ વાત એ છે કે, વર્લ્ડકપ-2026માં પથુમ નિસંકાએ વિસ્ફોટ બેટિંગ કરી પહેલી સદી નોંધાવી છે.
ઓસ્ટ્રેલિયા તરફથી માર્શ-હેડની ફિફ્ટી
ઓસ્ટ્રેલિયાની ઈનિંગ્સમાં કેપ્ટન મિશેલ માર્શે 27 બોલમાં 8 ફોર અને 2 સિક્સની મદદથી 54 રન બનાવ્યા હતા, જ્યારે ટ્રેવિસ હેડે શાનદાર બેટિંગ કરતા 29 બોલમાં 7 ફોર અને 3 સિક્સ સાથે સૌથી વધુ 56 રન ફટકાર્યા હતા. કેમેરોન ગ્રીને 7 બોલમાં 3 રન, ટિમ ડેવિડે 5 બોલમાં 1 ફોર સાથે 6 રન, વિકેટકીપર જોશ ઇંગ્લિસે 22 બોલમાં 3 ફોરની મદદથી 27 રન, ગ્લેન મેક્સવેલે 15 બોલમાં 1 ફોર અને 1 સિક્સ સાથે 22 રન, માર્કસ સ્ટોઈનિસે 6 બોલમાં 4 રન, કૂપર કોનોલીએ 4 બોલમાં 3 રન, ઝેવિયર બાર્લેટ શૂન્ય રન, નાથન એલિસ 2 બોલમાં શૂન્ય રને નોટઆઉટ રહ્યો હતો અને એડમ ઝમ્પાએ 1 બોલમાં 1 રન બનાવ્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી એકમાત્ર માર્કો સ્ટોનિકે બે વિકેટ ઝડપી હતી.
શ્રીલંકા તરફથી હેમંથાની ત્રણ વિકેટ
શ્રીલંકાના બોલરોએ ઓસ્ટ્રેલિયા સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેમાં દુષાન હેમંથા સૌથી સફળ બોલર રહ્યો હતો, તેણે 4 ઓવરમાં 37 રન આપીને 3 વિકેટો ઝડપી હતી. દુષ્મંથા ચમીરાએ પણ પ્રભાવશાળી બોલિંગ કરતા 4 ઓવરમાં 36 રન આપીને 2 વિકેટો મેળવી હતી. મહેશ થીક્ષાનાએ 4 ઓવરમાં 37 રન આપીને 1 વિકેટ, દુનિથ વેલ્લાલાગેએ 4 ઓવરમાં 33 રન આપીને 1 વિકેટ અને કામિન્દુ મેન્ડિસે 2 ઓવરમાં 19 રન આપીને 1 વિકેટ ઝડપી હતી. મથિશા પાથિરાના અને દાસુન શનાકાએ પણ બોલિંગ કરી હતી, પરંતુ તેમને કોઈ સફળતા મળી નહોતી.
શ્રીલંકા તરફથી નિશાંકાની સદી
શ્રીલંકાની બેટિંગ ઈનિંગ્સમાં પાથુમ નિસાંકાએ શાનદાર પ્રદર્શન કરતા 52 બોલમાં 10 ફોર અને 5 સિક્સની મદદથી અણનમ 100 રન બનાવ્યા હતા. કુસલ મેન્ડિસે 38 બોલમાં 6 ફોર અને 1 સિક્સ સાથે 51 રનનું મહત્વનું યોગદાન આપ્યું હતું. પવન રથનાયકેએ આક્રમક બેટિંગ કરતા માત્ર 15 બોલમાં 6 ફોરની મદદથી અણનમ 28 રન કર્યા હતા, જ્યારે કુસલ પરેરા 3 બોલમાં 1 રન બનાવી આઉટ થયો હતો.
ઓસ્ટ્રેલિયાનો સફર લગભગ પુરો
ગ્રુપ-Bના પોઈન્ટ્સ ટેબલ પર નજર કરીએ તો ઓસ્ટ્રેલિયા અત્યારે મુશ્કેલ સ્થિતિમાં જણાય છે. ઓસ્ટ્રેલિયાએ અત્યાર સુધી રમેલી ત્રણ મેચમાંથી માત્ર એકમાં જીત મેળવી છે અને બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે, જેના કારણે તેના માત્ર બે પોઈન્ટ્સ છે અને તે ટેબલમાં ત્રીજા ક્રમે છે. શ્રીલંકા ત્રણ મેચમાં ત્રણ જીત સાથે છ પોઈન્ટ્સ મેળવી ટોચ પર છે, જ્યારે ઝિમ્બાબ્વે બે મેચમાં બે જીત સાથે ચાર પોઈન્ટ્સ ધરાવે છે.
હવે ઓસ્ટ્રેલિયાનું શું થશે?
ઓસ્ટ્રેલિયાની હવે પછીની મેચ ઓમાન સામે છે. સેમીફાઈનલ અથવા આગલા રાઉન્ડની રેસમાં ટકી રહેવા માટે ઓસ્ટ્રેલિયાએ તેની આગામી મેચ મોટા અંતરથી જીતવી પડશે, જેથી તેનો નેટ રન રેટ (NRR), જે હાલમાં 0.414 છે, તેમાં સુધારો થઈ શકે. આ ઉપરાંત, ઓસ્ટ્રેલિયાએ આશા રાખવી પડશે કે, ઝિમ્બાબ્વે તેની બાકીની મેચો હારી જાય, કારણ કે ઝિમ્બાબ્વે અત્યારે ઓસ્ટ્રેલિયા કરતા સારા ફોર્મમાં અને વધુ પોઈન્ટ્સ સાથે બીજા ક્રમે છે. જો ઓસ્ટ્રેલિયા ઓમાન સામે હારી જાય છે, તો તેઓ સ્પર્ધામાંથી બહાર ફેંકાઈ જશે કારણ કે આયર્લેન્ડ પણ 2 પોઈન્ટ્સ સાથે તેમની પાછળ જ છે.



















