
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ગત સપ્તાહના માવઠા બાદ શિયાળાએ રંગ દેખાડ્યો હોય તેમ તાપમાનમાં ઘટાડો થયો છે. કેટલાંક દિવસોથી તાપમાનમાં વધઘટ છે. હજુ તા.12 સુધી `ટાઢોડુ’ રહી શકે છે. જો કે, કોલ્ડવેવ કે કડકડતી ઠંડીની શકયતા નથી. તા.13થી તાપમાન ફરી ઉંચે જશે તેવી આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઇ પટેલે કરી છે.

તેઓએ આજે વાતચીતમાં કહ્યું હતું કે કચ્છ અને ઉત્તર ગુજરાત સિવાયના ભાગોમાં નોર્મલ તાપમાન 11 થી 12.5 ડીગ્રી છે. આજે રાજકોટ તથા અમરેલીમાં ન્યુનતમ તાપમાન નોર્મલ કરતા બે ડીગ્રી હતું.

જ્યારે અન્ય ભાગોમાં નોર્મલ કે તેથી વધુ હતું. રાજકોટમાં 10.5 તથા અમરેલીમાં 9 ડીગ્રી નોંધાયું હતું. અમદાવાદમાં 13.8, વડોદરામાં 14.6, ભુજમાં 11.8, ડીસામાં 12.3 ડીગ્રી ન્યુનત્તમ તાપમાન હતું જે નોર્મલ કરતાં એક થી બે ડીગ્રી વધુ હતું.

તા.13 જાન્યુઆરી સુધીની આગાહીમાં તેઓએ કહ્યું કે તા.12 જાન્યુઆરી-આગામી સોમવાર સુધી ન્યુનત્તમ તાપમાન નોર્મલ કે તેનાથી નીચુ રહેવાની સંભાવના છે. જો કે, કડકડતી ઠંડી કે કોલ્ડવેવની સંભાવના નથી. તા.13 જાન્યુઆરીથી તાપમાન વધશે અને નોર્મલ કે તેનાથી ઉંચુ જશે.

આગાહીના સમયગાળામાં પવન ઉતરથી ઉત્તર પૂર્વ દિશાના રહેશે. પવનની ગતિ 8થી 15 કિમીની રહેશે છતાં કેટલાક દિવસોમાં અમુક ભાગોમાં 12 થી 25 કિમીની રહી શકે છે.

દરમ્યાન દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીમાં સર્જાયેલું વેલમાર્ક લો-પ્રેસર મજબૂત બનીને ડીપ્રેસનમાં પરિવર્તિત થયું છે. આવતા 24 કલાકમાં વધુ મજબૂત થઇને ડીપ ડીપ્રેસન બનશે.

આગામી 48 કલાકમાં દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી તરફ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધશે. તેના પ્રભાવ હેઠળ તા.9 થી 11, તામીલનાડુમાં વરસાદ થશે. તા.10-11મીએ વરસાદનું જોર વધુ હશે. કેરળમાં પણ એકાદ-બે દિવસ વરસાદ થશે.









