
નવીદિલ્હી : છેલ્લાં કેટલાંક વર્ષોથી ભારતનાં કાપડ અને તૈયાર કપડાં તેમજ હસ્તોદ્યોગની બનાવટોની નિકાસમાં ભારે મોટો વધારો થઈ રહ્યો છે. નવેમ્બર ૨૦૨૫માં ભારતે આ બધી ચીજોની કુલ મળી ૨,૭૫૫.૮ મિલિયન ડૉલરની નિકાસ કરી છે. જે નવેમ્બર ૨૦૨૪માં ૨૬૦૧.૫ મિલિયન ડૉલર હતી. એટલે કે એક વર્ષમાં તે નિકાસમાં ૯.૪ ટકાનો વધારો નોંધાયો છે.
આ વધારો બાગ્લાદેશ માટે મોટો સેટબેક છે. હજી સુધી કાપડ ઉદ્યોગ અને તૈયાર કપડાંના આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં બાંગ્લાદેશ ભારતનું મુખ્ય સ્પર્ધક બની રહ્યું હતું. રેડીમેઈડ ગાર્મેન્ટસ (આરએમજી)માં બાંગ્લાદેશ હવે પાછું પડી રહ્યું છે. તેનું મુખ્ય કારણ બાંગ્લાદેશમાં પ્રવર્તતી રાજકીય અશાંતિ, કામદારોની હડતાલો, વીજળીની કટોકટી છે.

આટલું ઓછું હોય તેમ ભારતે તેનાં રૂ ની નિકાસ બંધ કરી છે. સિંધમાં થતું રૂ પણ ઉચ્ચકક્ષાનું છે. પરંતુ તેની ગાંસડીઓ ભારતનો ચકરાવો લઈ બાંગ્લાદેશમાં પહોંચે તો સ્ટીમરનું ભાડું કેટલું ચઢે. આમ યુનુસ હવે ખરેખર ભીસાયા છે.

બીજી તરફ તૈયાર કપડાં બનાવતી આંતરરાષ્ટ્રીય કંપનીઓ બાંગ્લાદેશમાં પ્રવર્તતી રાજકીય અશાંતિને લીધે બાંગ્લાદેશ છોડી ભારત આવી રહી છે. કારણ કે તેઓને ભારતમાં વિશ્વાસ છે.

ભારતની વાત લઈએ તો ટ્રમ્પે ૫૦ ટકા જેટલો ટેરિફ નાખ્યો હોવા છતાં ભારતનાં તૈયાર કપડાંની અમેરિકામાં ખપત લગભગ સમાન જ રહી છે. ૨૦૨૫-૨૬માં ભારતની યુ.એસમાં નિકાસ વધીને ૧૭૯ બિલિયન ડૉલર સુધી પહોંચે તેમ છે.







