
થાણેના વર્તકનગરમાં જન્માષ્ટમી નિમિત્તે આયોજિત દહીહાંડી મહોત્સવમાં દસ સ્તરીય પિરામીડ રચી મુંબઇના જોગેશ્વરી સ્થિત કોકણનગર ગોવિંદા પથકે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો

અત્યાર સુધીના ઇતિહાસમાં કોઇ પણ ગોવિંદા પથક વધુમાં વધુ નવ સ્તરીય (થર) પિરામીડ રચવામાં જ સફળ રહ્યું છે.આ વિશ્વવિક્રમ કલ્ચર સંસ્કૃતિ દહીહાંડીની ઉજવણીમાં રચાયો હતો. કોકણનગર ગોવિંદા પથકે આ રેકોર્ડ બનાવી પચ્ચીસ લાખનું રોકડ રકમનું ઇનામ પણ મેળવ્યું હતું.

વહેલી સવારથી સમગ્ર મુંબઇ અને થાણેમાં વિવિધ ગોવિંદાની ટુકડીઓ નવી ઉંચાઇઓ સર કરવાની આશાથી મુંબઇ-થાણાની ટોચની દહીહંડી સ્થળોએ પહોંચી ગઇ હતી. જોગેશ્વરી સ્થિત કોકણનગર ગોવિંદા પથકે કોઇપણ ભૂલ વગર દસ સ્તરીય પિરામીડ રચી ઇતિહાસ સર્જોય હતો.

કોકણનગર ગોવિંદા પથકની ટીમનું નેતૃત્વ ૩૮ વર્ષીય કોચ વિવેક કોચરેકર કરી રહ્યા છે. જે ૧૨ વર્ષથી પણ વધુ સમયથી શિસ્ત સાથે ટીમને તાલીમ અને માર્ગદર્શન આપી રહ્યા છે. પિરામિડ બનાવવા માટે સંગઠિત અને સચોટ અભિગમ માટે કોકણનગર ગોવિંદા પથક જાણીતું છે.

આ સમયે પ્રતિક્રિયા વ્યક્ત કરતા કોચરેકરે જણાવ્યું હતું કે ગયા વર્ષે અમે નવ સ્તરીય પિરામીડ રચ્યું હતું પણ આ વર્ષે અમે દસ સ્તરીય પિરામિડ રચવાના સંકલ્પ સાથે આવ્યા હતા અને અમે તે કરી બનાવ્યું હતું.

અમારા ગોવિંદા પથકમાં ૫૫૦ ગોવિંદાઓનો સમાવેશ થાય છે અને અમે આ વર્ષે દસ સ્તર રચવાના આશયથી જ પ્રેક્ટિસ શરૂ કરી હતી.
















