
સતત ટ્રાવેલિંગ કરતા બિઝનેસ એક્ઝિક્યુટિવની ટ્રાવેલ બેગમાં હવે સ્માર્ટફોન, ટેબલેટ કે આઇપેડ તથા લેપટોપ જેવાં વિવિધ સાધનો અનિવાર્ય રીતે હોય છે. આ ત્રણેય સાધનોની બેટરી ચાર્જ્ડ રાખવી જરૂરી હોય છે અને તેમાં સતત ઇન્ટરનેટ કનેક્ટિવિટી મળવી પણ જરૂરી હોય છે.


સામાન્ય રીતે આપણે પોતાના સ્માર્ટફોનમાં મોબાઇલ ડેટાથી ઇન્ટરનેટ કનેકશન મેળવતા હોઇએ અને પછી તેનો હોટસ્પોટ તરીકે ઉપયોગ કરીને લેપટોપ કે અન્ય સાધનમાં મોબાઇલમાંથી વાઇ-ફાઇ કનેક્ટિવિટી મેળવી શકીએ. સામાન્ય સંજોગોમાં આટલા સેટઅપથી આપણું કામ ચાલ્યું જાય પરંતુ હમણાં સ્માર્ટ ડિવાઇસિસના પાવર્ડ યૂઝર્સ માટે એસર કંપનીએ ભારતમાં એક ખાસ પ્રકારનું મોબાઇલ હોટસ્પોટ ડિવાઇસ લોન્ચ કર્યું છે.

આ પ્રકારના ડેડિકેટેડ મોબાઇલ હોટસ્પોટ ડિવાઇસ કેવા સંજોગમાં આપણને વધુ ઉપયોગી થઈ શકે તે પણ જાણી લઇએ.
આપણે પોતાના લેપટોપમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી મેળવવા માટે સ્માર્ટફોનનો હોટસ્પોટ તરીકે ઉપયોગ કરીએ તો ફોનની બેટરી ઘણી વધુ ઝડપથી ઉતરે છે. તેની સામે ડેડિકેટેડ હોટસ્પોટ ડિવાઇસમાં તેની પોતાની બેટરી હોવાથી સ્માર્ટફોનનો આપણે વધુ લાંબા સમય સુધી ઉપયોગ કરી શકીએ છીએ.

સ્માર્ટફોનની સરખામણીમાં મોટા ભાગે ડેડિકેટેડ હોટસ્પોટ ડિવાઇસમાં બહેતર એન્ટેના હોય છે. તેને કારણે નબળાં સિગ્નલ મળતાં હોય તેવા વિસ્તારોમાં પણ ડેડિકેટેડ હોટસ્પોટ ડિવાઇસ વધુ મજબૂત અને સ્થિર ઇન્ટરનેટ કનેક્ટિવિટી આપી શકે છે.

આપણે સ્માર્ટફોનને હોટસ્પોટ બનાવીએ અને તેમાં એકથી વધુ ડિવાઇસમાં વાઇ-ફાઇ કનેક્ટિવિટી મેળવવાનો પ્રયાસ કરીએ તો સ્માર્ટફોન હાંફી જતા હોય છે. જ્યારે ડેડિકેટેડ હોટસ્પોટ ડિવાઇસ આ જ હેતુ માટે ડિઝાઇન થયેલા હોવાથી તેમાં એક સાથે ૧૦થી ૩૦ જેટલાં ડિવાઇસ કનેક્ટ કરી શકાય છે! એસરે લોન્ચ કરેલા હોટસ્પોટ ડિવાઇસમાં એક સાથે ૧૬ સાધનોમાં મજબૂત ઇન્ટરનેટ કનેક્ટિવિટી મેળવી શકાય તેવો દાવો છે.

સ્માર્ટફોનની જેમ ડેડિકેટેડ મોબાઇલ હોટસ્પોટમાં એક સિમ, ડ્યુઅલ સિમ કે ઇ-સિમનો ઉપયોગ કરી શકાય છે. આવા ડિવાઇસની મદદથી આપણું પોતાનું, સલામત પાસવર્ડ પ્રોટેક્ટેડ ઇન્ટરનેટ વાઇ-ફાઇ નેટવર્ક ઊભું કરી શકાય છે.

આપણે સાદી રીતે સ્માર્ટફોનનો હોટસ્પોટ તરીકે ઉપયોગ કરીએ ત્યારે ઘણી વાર તેમાં હોટસ્પોટની સ્પીડ પર આપોઆપ કંટ્રોલ આવી જાય છે કે લાંબા ઉપયોગ પછી ફોન વધુ પડતો ગરમ થઈ જાય છે. ડેડિકેટેડ હોટસ્પોટ કલાકો સુધી આવા કોઈ અવરોધ વિના એકસરખી સ્પીડે ઇન્ટરનેટ કનેક્ટિવિટી લાભ આપી શકે છે.

એસરનું મોબાઇલ હોટસ્પોટ ડિવાઇસ પહેલી નજરે કંઈક જુદા સ્માર્ટફોન જેવું લાગે છે કેમ કે તેમાં એક નાનો ડિસ્પ્લે પણ છે. આ ડિવાઇસમાં આઠ હજાર એમએએચની બેટરી છે. આથી તેને સતત ૨૮ કલાક સુધી ઉપયોગ કરી શકાય છે. તેને ટાઇપ સી પોર્ટથી ચાર્જ કરી શકાય છે. આ મોબાઇલ હોટસ્પોટનો પાવરબેન્ક તરીકે પણ ઉપયોગ થઈ શકે.

જોકે આ બધા ફાયદા મેળવવા માટે લગભગ ૨૦ હજાર રૂપિયા જેટલી કિંમત ચૂકવવાની તૈયારી રાખવી પડે છે!
આગળ કહ્યું તેમ આપણે પ્રસંગોપાત લેપટોપ કે ટેબલેટમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી જોઇતી હોય તો સ્માર્ટફોનને જ હોટસ્પોટ બનાવીને કામ ચલાવી શકાય. પરંતુ ઓવરબિઝી અને સતત ટ્રાવેલિંગ કરતા લોકો માટે આવા ડેડિકેટેડ મોબાઇલ હોટસ્પોટ ડિવાઇસ આશીર્વાદરૂપ બની શકે.

ટેક્નોલોજીની દુનિયામાં જેવો જેનો ઉપયોગ એવાં સાધન મળી જ રહે છે!










