HomeAllટંકારાના હડમતિયામાં ભવ્ય હિન્દુ સંમેલન 5000 લોકોની ઉપસ્થિતિ

ટંકારાના હડમતિયામાં ભવ્ય હિન્દુ સંમેલન 5000 લોકોની ઉપસ્થિતિ

ટંકારા તાલુકાના હડમતિયા ગામે હડમતિયા મંડળ (10 ગામ) દ્વારા ભવ્ય ‘હિન્દુ સંમેલન’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં હડમતિયા સહિત આજુબાજુના લજાઈ, વિરપર, ઘનુડા, સજનપર, ટોળ, અમરાપર, જીવાપર, ધ્રુવનગર અને રાજાવડલા ગામોના આગેવાનો તેમજ આશરે 5000 થી વધુ લોકોએ ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી. સમગ્ર કાર્યક્રમનું લાઈવ ટેલિકાસ્ટ પણ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સંતો-મહંતો અને આગેવાનોએ સમાજ જાગૃતિ, સંસ્કાર અને રાષ્ટ્રભાવના અંગે પ્રેરણાદાયી વિચારો વ્યક્ત કર્યા હતા. બોટાદના પૂજ્ય આત્માનંદ સરસ્વતીજીએ પોતાના ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં હિન્દુ સમાજે સંગઠિત રહી એકતા જાળવવી અત્યંત જરૂરી છે.

તેમણે ખાસ કરીને બહેનોને સ્વરક્ષણ માટે સજ્જ બનવાની પ્રેરણા આપી તેમજ પુરુષોને વ્યસનમુક્ત બની બાળકોમાં સારા સંસ્કારો અને રાષ્ટ્રપ્રેમના સંસ્કાર વિકસાવવા અપીલ કરી.દામજી ભગતએ ટૂંકા પરંતુ અસરકારક સંદેશમાં જણાવ્યું હતું કે સમાજે સમયસર જાગૃત થવાની જરૂર છે, નહીં તો આવનારા સમયમાં વધુ પડકારોનો સામનો કરવો પડી શકે છે. દરેક હિન્દુએ એકતા સાથે જાગૃત બનવું જરૂરી છે.

સૌરાષ્ટ્ર પ્રાંતના સંઘચાલક મુકેશભાઈ મલકાણએ સંમેલનના હેતુ-ઉદ્દેશ્ય તથા ‘પંચ પરિવર્તન’ વિષય પર માર્ગદર્શન આપ્યું. તેમણે જણાવ્યું કે સમાજના સર્વાંગી વિકાસ માટે પાંચ મહત્વપૂર્ણ પરિવર્તનો જરૂરી છે.

જેમ કે સામાજિક સમરસતા સમાજમાં જાતિ, વર્ગ અને ભેદભાવ દૂર કરી સર્વમાં એકતા અને ભાઈચારો વધારવો, કુટુંબ પ્રબોધન પરિવાર પ્રણાલીને મજબૂત બનાવી બાળકોમાં સંસ્કાર, રાષ્ટ્રપ્રેમ અને સદાચારના મૂલ્યો વિકસાવવું, પર્યાવરણ સંરક્ષણ પ્રકૃતિ અને પર્યાવરણનું રક્ષણ, વૃક્ષારોપણ, પાણી બચત અને સ્વચ્છતા માટે જાગૃતિ લાવવી, સ્વદેશી ભાવના દેશી ઉત્પાદનોનો ઉપયોગ વધારી સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપવું અને આત્મનિર્ભરતાને બળ આપવું અને નાગરિક કર્તવ્ય પાલન દેશના જવાબદાર નાગરિક તરીકે કાયદાનું પાલન કરવું અને રાષ્ટ્રહિતને પ્રાથમિકતા આપવી. સંમેલન દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા.

હડમતિયા સ્કૂલની બાળાઓએ પરંપરાગત રાસ અને તલવાર રાસ રજૂ કરીને સૌનું મન મોહી લીધું હતું. ઉપરાંત ગાંધી વિદ્યાલયના વિદ્યાર્થીઓએ મોબાઇલએ તો દાટ વાળ્યો શીર્ષક હેઠળ નાટ્યકૃતિ રજૂ કરી હતી. આ ઉપરાંત હડમતિયાની નાનકડી દિકરી ક્રિશા કામરીયાએ ભારતના ગૌરવશાળી ઇતિહાસ વિશે ઉદ્દબોધન કરીને ઉપસ્થિત સૌને પ્રેરિત કર્યા. આ ભવ્ય કાર્યક્રમને સફળ બનાવવા માટે આસપાસના તમામ ગામોના લોકો અને કાર્યકરો દ્વારા સહિયારું યોગદાન આપવામાં આવ્યું હતું.
સંમેલનના દિવસે દસેય ગામોમાં ભવ્ય બાઈક રેલી પણ યોજાઈ હતી.

ઉપરાંત સંમેલન નિમિત્તે યોજાયેલા બ્લડ ડોનેશન કેમ્પમાં 90 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું.સમગ્ર કાર્યક્રમનું સ્ટેજ સંચાલન ભગિરથસિંહ ઝાલાએ કર્યું હતું. કાર્યક્રમના અંતે નકલંક ધામ, હડમતિયાના શ્રી મેહુલદાસજીએ અધ્યક્ષ તરીકે ઉપસ્થિત મહેમાનો તથા જનમેદનીનો આભાર વ્યક્ત કર્યો હતો.કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં આશરે 4000 લોકોએ પ્રસાદરૂપે ભોજન ગ્રહણ કર્યું. આ રીતે રાષ્ટ્રભાવના અને સંસ્કારના સંદેશ સાથે સંમેલન શાંતિપૂર્ણ અને સફળતાપૂર્વક પૂર્ણ થયું.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!