
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાન સાથે વેપાર કરતા દેશો પર ૨૫ ટકા વધારાના ટેરિફની ધમકી વચ્ચે ભારત માટે રાહતના સમાચાર આવ્યા છે. વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા અને વધતા ટેરિફના તણાવ વચ્ચે વિશ્વ બેંકે (World Bank) ભારતીય અર્થતંત્ર પર અતૂટ વિશ્વાસ વ્યક્ત કરતા ભારતનો જીડીપી (GDP) વૃદ્ધિ દરનો અંદાજ વધાર્યો છે.

વિકાસ દરના અંદાજમાં મોટો ઉછાળો
વિશ્વ બેન્કે તેના લેટેસ્ટ અહેવાલમાં ભારતના વિકાસ દર અંગે હકારાત્મક વલણ અપનાવ્યું છે. વિશ્વ બેન્કે નાણાકીય વર્ષ 2026 માટે ભારતનો GDP વૃદ્ધિ દરનો અંદાજ વધારીને 7.2 ટકા કર્યો છે. જૂન 2025માં વિશ્વ બેન્કે 6.3 ટકા વૃદ્ધિનો અંદાજ મૂક્યો હતો, જેમાં હવે 0.9 ટકાનો નોંધપાત્ર વધારો દર્શાવે છે.

રિપોર્ટમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે યુએસ ટેરિફમાં વધારો થવા છતાં ભારતની આર્થિક ગતિ પર તેની અસર અત્યંત ‘મર્યાદિત’ રહેશે.
વિશ્વ બેન્કને ભારત પર કેમ છે ભરોસો?

અહેવાલ મુજબ, ભારતની આર્થિક મજબૂતી પાછળ કેટલાક કારણો જવાબદાર છે. જેમ કે, વૈશ્વિક સ્તરે ગમે તેટલી ઉથલપાથલ થાય, પરંતુ ભારતની અંદરની માર્કેટ અને માંગ એટલી મજબૂત છે કે તે બહારના આંચકાઓને સહન કરી શકે છે. સરકારી કરમાં ઘટાડો અને કૃષિ ક્ષેત્રે સુધારો થતા ગ્રામીણ વિસ્તારોમાં લોકોની આવક વધી છે, જેને કારણે વપરાશમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. ભારતીય ગ્રાહકોના ખર્ચ કરવાની ક્ષમતામાં સુધારો યુએસ ટેરિફની નકારાત્મક અસરને ઘટાડવામાં મદદરૂપ સાબિત થશે.

ભવિષ્યનો પડકાર
વિશ્વ બેન્કે સાવચેતીના સૂર પણ રેલાવ્યા છે. તેમના ‘ગ્લોબલ ઇકોનોમિક પ્રોસ્પેક્ટ્સ’ રિપોર્ટમાં જણાવાયું છે કે, જો ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા લાદવામાં આવેલા ૫૦ ટકા (અને હવે સંભવિત ૭૫ ટકા) ટેરિફ લાંબા સમય સુધી યથાવત રહેશે, તો નાણાકીય વર્ષ ૨૦૨૭ માં ભારતનો વિકાસ દર ઘટીને ૬.૫ ટકા થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પના ‘ટેરિફ બોમ્બ’ વચ્ચે પણ વિશ્વ બેન્કનો આ અહેવાલ ભારત માટે મોટી જીત સમાન છે. તે સાબિત કરે છે કે ભારત હવે માત્ર વૈશ્વિક નિકાસ પર નિર્ભર નથી, પરંતુ તેનું આંતરિક માળખું કોઈપણ આર્થિક યુદ્ધનો સામનો કરવા સક્ષમ છે.










