HomeAllત્રણ ટર્મની વ્યાખ્યા હવે પૂરા ફેમીલીને લાગુ થશે : સંગઠન હોદેદારોને ટીકીટ...

ત્રણ ટર્મની વ્યાખ્યા હવે પૂરા ફેમીલીને લાગુ થશે : સંગઠન હોદેદારોને ટીકીટ મળશે

ભાજપ પાર્લામેન્ટરી બોર્ડે ઉમેદવારો માટે માપદંડ નિશ્ચિત કરી લીધા હોવાના સંકેત : વર્તમાન અને પૂર્વ કોર્પોરેટરો માટે આંચકોઃ અનેકે પુત્ર – પુત્રી માટે ટીકીટ માંગી હતી : તેઓએ ટર્મ ગણવી પડશે

ગુજરાતમાં યોજાઈ રહેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં હવે ઉમેદવારી નોંધાવવાનું શરૂ થઈ ગયું છે તો બીજી તરફ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોની યાદી પણ જાહેર કરવાનું શરૂ કર્યું છે તે સમયે હવે પક્ષની સ્પષ્ટ ગાઈડલાઈન આવી ગઈ હોવાના સંકેત છે.

ભાજપ દ્વારા પાર્લામેન્ટરી બોર્ડની બેઠકોનો દૌર અમદાવાદમાં શરૂ થયો છે અને હવે પુરા ત્રણ દિવસ જબરો ધમધમાટ રહેશે. આજે અને આવતીકાલે જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની બેઠકો માટેના નામો ઉપર પાર્લામેન્ટરી બોર્ડ નિર્ણય લેશે અને તેમાં ત્યારબાદ મહાનગરપાલિકાના ઉમેદવારો પણ એક સાથે નિર્ણય લેશે.

સુત્રો દ્વારા જણાવ્યા મુજબ ભાજપ દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે પક્ષ દ્વારા ગત ચૂંટણીમાં 60 વર્ષની જે ઉમર મર્યાદા સ્થાનિક ચૂંટણીઓમાં રાખવામાં આવી હતી તે યથાવત છે પરંતુ બીજા એક નિર્ણયમાં પક્ષના હોદેદારોને ચૂંટણી લડવા માટે મંજુરી અપાઈ છે. એટલે કે પક્ષના નવા સંગઠનમાં જેઓને હોદા મળ્યા છે તેઓમાંથી પણ ઉમેદવારોની પસંદગી થઈ શકશે.

હાલમાં જ યોજાયેલી સેન્સમાં જે રીતે મોટાપાયે સંગઠનના હોદેદારોએ પણ દાવેદારી કરી છે તે જોતા આ નિર્ણય મહત્વનો બની રહેશે અને પક્ષના હાલ હોદા પર રહેલા ચહેરાઓને પણ સ્થાનિક ચૂંટણીમાં ટીકીટ મળે તેવી સંભાવના વધી ગઈ છે.

જયારે ત્રીજા એક મહત્વના નિર્ણયમાં પક્ષે નિશ્ચિત કર્યું છે કે જે ત્રણ ટર્મની મર્યાદા દરેક માટે ચૂંટણી લડવા નિશ્ચિત કરાઈ છે તેમાં હવે આ મર્યાદા કોઈ વ્યકિતગત નહીં પુરા ફ્રેમીલીને લાગુ પડશે એટલે કે કુટુંબમાંથી કોઈ એક વ્યકિત જ ત્રણ ટર્મ ચૂંટણી લડી ગયા હોય તો તેઓના કુટુંબમાંથી કોઈને ટીકીટ આપવામાં આવશે નહીં. હાલમાં જ રાજકોટમાં સેન્સ સમયે અનેક વર્તમાન અને પૂર્વ કોર્પોરેટરોએ તેમના પુત્રો અને અન્ય લોહીના સંબંધ ધરાવતા વ્યકિતઓની દાવેદારી કરાવી છે.

પોતાને ત્રણ ટર્મ પૂરી થઈ હોય એટલે ટીકીટ મળવાની શકયતા ન હોય અથવા તો અન્ય કારણોસર ટીકીટ મળવાની ન હોય તેઓ હવે ટીકીટ પોતાના કુટુંબમાં જ રહે તે રીતે દાવેદારી કરી રહ્યા છે પરંતુ તેને આંચકો લાગ્યો છે એટલે કે પોતે અથવા તેમના કુટુંબમાં ત્રણ ટર્મ ચૂંટણી લડી ગયા હશે તો તેના ફ્રેમીલીમાં કોઈને ટીકીટ નહીં મળે. આમ વર્તમાન પૂર્વ કોર્પોરેટરને હવે તેમના પુત્ર પુત્રી માટે ટીકીટ મેળવવાનો દરવાજો બંધ થઈ ગયો છે.

બીજી તરફ પહેલા હોદેદારોની ટીકીટ નહીં આપવાનો નિર્ણય લેવાયો હતો પરંતુ હવે તેઓને ટીકીટ મળી શકે છે. તે નિશ્ચીત થયું છે. ઉમેદવારો માટેના માપદંડ વધુ કલીયર થયું છે.

ઉમેદવારની પસંદગીની પ્રક્રિયા માટે ધ્યાન પર લેવાના મુદ્દાઓ

1) બેઠકની ચર્ચા જે-તે વ્યક્તિ કે અન્ય વ્યક્તિ ઉપરાંત પ્રેસ-મીડીયામાં ઑફ ધ રેકોર્ડ ન જાય તેની કાળજી રાખવી.

ર) જે કાર્યકર્તાને ટિકીટ મળે તો મંડલ, જીલ્લા/મહાનગર કે પ્રદેશ સ્તરે જવાબદારી હોય તો રાજીનામું લઈ લેવું. (એક વ્યક્તિ – એક પદ)

3) જેમની ઉંમર 60 વર્ષ કરતાં વધુ હશે, તેઓ દાવેદારી કરી શકશે નહીં.

4) જેમના પરિવારમાંથી વર્તમાનમાં પક્ષમાં કે સરકારમાં કોઈ જવાબદારી હોય, તેઓ દાવેદારી કરી શકશે નહીં.

પ) જેમણે સરખા એકમ પર અગાઉ 3 વખત ચૂંટણી લડી હોય, તેઓ દાવેદારી કરી શકશે નહીં.

6) કોઈ પદાધિકારી પોતાની દાવેદારી કરવા માંગતો હોય તો તે ચૂંટણીમાં દાવેદારી કરી શકશે.

7) વધુમાં વધુ સમાજોને ચૂંટણી લડવા માટે સમાવેશ કરી શકાય તે અંગે જોવું.

8) ચૂંટણીના ઉમેદવાર માટે સૌ પ્રથમ કાર્યકર્તાને અગ્રિમતા આપવી. શક્ય હોય ત્યાં સુધી એન.જી.ઓ કે અન્ય પક્ષમાંથી આવેલાને પ્રાથમિકતા ન આપવી.

9) ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ, વર્ષ 2005 પછી જેમને 3 કે તેનાથી વધુ સંતાનો હોય, તેઓ દાવેદારી કરી શકશે નહીં.

10) ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ, જેમના ઘરમાં શૌચાલય ન હોય, તેઓ દાવેદારી કરી શકશે નહીં.

11) ઉમેદવારોની પસંદગી બાદ જો કાર્યકર્તામાં નારાજગી હોય તો તેઓને સાંભળવાની વ્યવસ્થા ગોઠવવી.

12) ફોર્મ ભરવાનો દિવસ નક્કી કરવો.

– ફોર્મ ભરતી વખતે મંડલ અથવા જીલ્લા/મહાનગરના મુખ્ય આગેવાન સાથે રહેવું.

-ફોર્મ ભરવાના દિવસે વધુમાં વધુ કાર્યકર્તાઓ સાથે કાર્યક્રમ કરવો.

ડમી ફોર્મ એવા કાર્યકર્તાના ભરાવવા કે જેઓ ફોર્મ રદ્દ થવાના સંજોગોમાં પણ ચૂંટણી લડી શકે.

13) અન્ય પાર્ટીના ઉમેદવારને રાજકીય રીતે સમજીને અપક્ષો અંગેનું આયોજન કરવું.

14) જયાં પ્રમુખ સીટ અનામત છે તેવા જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત કે નગરપાલિકામાં અનામત કક્ષાના યોગ્ય કાર્યકર્તા લડે અને સલામત રીતે જીતાડવાની વ્યવસ્થા ગોઠવવી.

15) પ્રદેશ દ્વારા નિયુક્ત પ્રભારીશ્રીઓ પોતાના પ્રભારી જીલ્લા/મહાનગરમાં કામ કરશે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments