
ઘણાં લોકોને ઘણીવાર સવાલ થાય છે કે UPI દ્વારા એક દિવસમાં વધુને વધુ કેટલી રકમ ટ્રાન્સફર કરી શકાય છે? એની લિમિટ કેટલી છે? ભારત આજે ડિજિટલ તરફ પ્રયાણ કરી રહ્યું છે. UPI દ્વારા આજે મોટાભાગની લેણદેણ થાય છે. નાના દુકાનદારથી લઈને મોટી-મોટી કંપનીઓ હવે UPIનો ઉપયોગ કરે છે. લારીથી લઈને ઓફિસના કર્મચારીઓ હવે UPIનો ઉપયોગ કરે છે. બેન્ક 24/7 કામ નથી કરતી, પરંતુ UPI કરે છે. જોકે ઘણી વાર પેમેન્ટ ટ્રાન્સફર કરતી વખતે યુઝર્સને લિમિટનો મેસેજ આવતો હોય છે. એના કારણે ટ્રાન્ઝેક્શન પૂરું નથી થતું. UPIની લિમિટ NPCI દ્વારા નક્કી કરવામાં આવી છે. આથી વ્યક્તિ કેટલી રકમ ટ્રાન્સફર કરી શકે છે એ જાણવું જરૂરી છે.
UPI ટ્રાન્સફર લિમિટ
UPI દ્વારા એક દિવસમાં વધુમાં વધુ એક લાખ રૂપિયા ટ્રાન્સફર કરી શકાય છે. આ મર્યાદા મોટાભાગની બેન્ક અને UPI એપ્લિકેશન પર લાગુ પડે છે. આ નિયમ વ્યક્તિથી વ્યક્તિ અને વ્યક્તિથી વેપારી સુધીની દરેક લેણદેણ પર લાગુ પડે છે.

વેપારી સાથે કોઈ લિમિટ નહીં
કેટલીક બેન્ક દ્વારા ટ્રાન્ઝેક્શનની લિમિટ પહેલેથી સેટ કરવામાં આવી છે. જો કોઈ વ્યક્તિનું ખાતું સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં હોય અને એના દ્વારા ટ્રાન્સફર કરવામાં આવતાં હોય તો વ્યક્તિથી વ્યક્તિ 20 ટ્રાન્ઝેક્શન કરી શકાશે. જોકે વ્યક્તિથી વેપારી વચ્ચે કોઈ ટ્રાન્ઝેક્શન લિમિટ નથી રાખવામાં આવી.

પાંચ લાખ સુધીની રકમ ટ્રાન્સફર કરવી શક્ય
UPI દ્વારા ટેક્સ ભરવા પર, IPOમાં એપ્લાય કરવા માટે, રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા રિટેલ ડાયરેક્ટ સ્કીમ આધારિત વેરિફાઇડ હોસ્પિટલ અથવા તો એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટમાં પેમેન્ટ ટ્રાન્સફર કરવા માટે એક દિવસમાં એકથી પાંચ લાખ રૂપિયા સુધીની રકમ ટ્રાન્સફર કરી શકાય છે.

UPI લાઇટની મર્યાદા
UPI લાઇટ દ્વારા જો ટ્રાન્સફર કરવામાં આવતાં હોય તો વધુમાં વધુ એક હજાર રૂપિયા સુધીનું ટ્રાન્ઝેક્શન કરી શકાશે. આ સાથે જ એક દિવસમાં વધુમાં વધુ 4 હજાર રૂપિયા વોલેટમાં ટ્રાન્સફર કરી શકાશે. આ સાથે જ વોલેટમાં વધુમાં વધુ 5 હજાર રૂપિયા રાખી શકાય છે.













