
મોરબીમાં આજે વહેલી સવારથી પવન ન હોવા છતાં પતંગ રસિકો ધાબા પર ચઢી ખાણી-પીણીની રંગત જમાવી હતી. જો કે બપોર બાદ પવનની ગતિ થોડી વધતાં ઉત્તરાયણનો માહોલ જામ્યો હતો. આ પછી સાંજ થતાં જ મોરબીના મોટાભાગના વિસ્તારોમાં ફટાકડા ફોડવામાં આવ્યા હતા, જેના કારણે ઉત્તરાયણમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. શહેરનું આકાશ રંગબેરંગી આતશબાજીથી ગુંજી ઉઠ્યું હતું.

ફટાકડા, ગરબા અને ડાન્સની મોજ
લોકોએ સ્કાય શૉટ સહિતના મલ્ટિપલ ફટાકડા ફોડ્યા હતા. કોઈએ કોઠીઓ સળગાવી તો કોઈએ ગરબા અને ડાન્સ કરી ઉમળકાભેર ઉત્તરાયણના પર્વને અલવિદા કહ્યું હતું. જો કે ઉત્તરાયણના બીજા દિવસે પણ વાસી ઉત્તરાયણની પરંપરા જોવા મળે છે ત્યારે કાલે પવન અનુકૂળ રહે તેવી પતંગ રસિકો આશા સેવી રહ્યા છે.

પતંગની જગ્યાએ ખાણી-પીણીનો આનંદ
આકાશમાં પેચ લડાવવા આતુર મોરબીવાસીઓને આજે ઉત્તરાયણના દિવસે પવનની ગતિનો ખાસ સાથ મળ્યો ન હતો, તેમ છતાં ઉત્સાહમાં કોઈ ઉણપ ન હતી. ‘સવારથી અગાશી પર આવ્યા હોવા છતાં પવન ન હોવાને કારણે થોડી નિરસતા અનુભવાઈ હતી અને આ વખતની ઉત્તરાયણ અગાઉ જેવી લાગતી નથી. પતંગો ઉડતી ન હોવાથી મિત્રો સાથે મળીને મસાલેદાર ઊંધિયું, જલેબી અને ફ્રુટ સલાડ જેવી વાનગીઓની જયાફત ઉડાવીને મોજ-મસ્તી કરી હતી.’

મોરબીની ઉત્તરાયણ અંગે એક મોરબીવાસીએ જણાવ્યું કે, ‘સવારથી પવન થોડો ઓછો હતો, પરંતુ મોરબીની ઉત્તરાયણ હોવાથી ખૂબ મજા આવી હતી. પવનની ગતિ ઓછી હોવાને લીધે ગયા વર્ષની સરખામણીએ આકાશમાં પતંગોની સંખ્યા ઓછી દેખાઈ, છતાં આ તહેવારના માહોલથી સંપૂર્ણ સંતુષ્ટ છું.’












