
નડિયાદમાં આવેલી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલોના વાલીઓ સાથે સાયબર ફ્રોડ આચનાર ગઠિયાને પોલીસે ઝડપી પાડ્યો છે. આ ગઠિયાની લોકોને ચૂનો લગાવવાની તરકીબ જાણીને પોલીસ પણ ચોંકી ગઈ છે.

ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાં સાયબર ક્રાઈમનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં શહેરની પ્રતિષ્ઠિત સંતરામ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના વાલીઓને સાયબર ગઠિયાઓએ નિશાન બનાવ્યા હતા. નડિયાદ પશ્ચિમ પોલીસે આ મામલે સઘન તપાસ હાથ ધરીને ગણતરીના દિવસોમાં જ મુખ્ય સૂત્રધારને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

શિક્ષકના નામે ફોન કરી OTP મેળવતો
મળતી માહિતી મુજબ, સાયબર ગઠિયાઓએ સવારે 7 વાગ્યાના અરસામાં વાલીઓને ફોન કરવાનું શરૂ કર્યું હતું. આ ઠગબાજો સ્કૂલના શિક્ષક કે સંચાલક હોવાની ખોટી ઓળખ આપીને વાલીઓ સાથે વાત કરતા હતા. તેમણે વાલીઓ પાસેથી સ્ટુડન્ટની વિગતો અથવા એપ્લિકેશન ડાઉનલોડ કરવાના બહાને OTP (વન ટાઈમ પાસવર્ડ) માંગ્યો હતો. જે વાલીઓએ ભોળપણમાં OTP આપ્યો, તેમના બેંક ખાતામાંથી પૈસા ઉપાડી લેવામાં આવ્યા હતા. અંદાજે 10થી વધુ વાલીઓના ખાતામાંથી 50,000 રૂપિયાથી વધુની રકમ પડાવી લેવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

પોલીસે ટીમ બનાવીને તપાસ શરૂ કરી
નડિયાદ પશ્ચિમ પોલીસ મથકે ગુનો નોંધાતા જ પો.ઇન્સ. કે.એચ. ચૌધરી અને તેમની ટીમે તપાસ શરૂ કરી હતી. ટેકનિકલ એનાલીસીસ અને સી.ડી.આર.ની મદદથી પોલીસે આરોપી પ્રિતેશભાઇ મહેશભાઇ પ્રજાપતિ (ઉર્ફે ગોગી)ને ઝડપી પાડ્યો છે. આરોપી મૂળ મહેમદાવાદના નેનપુરનો રહેવાસી છે અને હાલ વડોદરાના પોર GIDC પાસે વેપાર કરે છે.

સાયબર ફ્રોડનો રીઢો ખેલાડી
ઝડપાયેલ આરોપી પ્રિતેશ પ્રજાપતિ કોઈ સામાન્ય ગુનેગાર નથી પરંતુ સાયબર ફ્રોડનો રીઢો ખેલાડી છે. તેના વિરૂદ્ધ ગુજરાતના વિવિધ શહેરોમાં ગંભીર ગુનાઓ નોંધાયેલા છે, અમદાવાદ (મણીનગર), રાજકોટ, જામનગર, મોરબી, વલસાડ, તલોદ અને અમરેલીમાં સાયબર ક્રાઇમ અને છેતરપિંડીના 15થી વધુ કેસ નોંધાયેલા છે. મોરબી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તેની વિરૂદ્ધ PASA (પાસા) હેઠળ પણ અટકાયત કરવામાં આવી હતી.

આ કિસ્સાએ વાલીઓમાં ભારે ચર્ચા જગાડી
આ સફળ કામગીરી નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનના પી.આઈ. કે.એચ. ચૌધરીની રાહબરી હેઠળ એ.એસ.આઈ. રાકેશકુમાર, હેડ કોન્સ્ટેબલ ભરતભાઇ અને કોન્સ્ટેબલ પ્રશાંતભાઇ તથા હરેશભાઇ દ્વારા કરવામાં આવી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે કે આ સિવાય તેણે અન્ય કેટલા વાલીઓને કે લોકોને શિકાર બનાવ્યા છે. આ કિસ્સાએ વાલીઓમાં ભારે ચર્ચા જગાડી છે અને પોલીસે જનતાને અપીલ કરી છે કે કોઈ પણ અજાણી વ્યક્તિ સાથે ફોન પર બેંક વિગતો કે ઓટીપી ક્યારેય શેર કરવો નહીં.






