
મોરબી: વાંકાનેર તાલુકાના ચંદ્રપુર નજીક નેશનલ હાઇવે પર CID Crime Rajkot ટીમે નશીલા પદાર્થોની હેરાફેરી સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ખાનગી બાતમીના આધારે કરવામાં આવેલી કામગીરીમાં 1.9 કિલો ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, સીઆઇડી ક્રાઇમ રાજકોટ ટીમને માહિતી મળી હતી કે એક સીએનજી રીક્ષામાં ગાંજાનો જથ્થો ચોટીલાથી વાયા વાંકાનેર થઇ રાજકોટ તરફ હેરાફેરી કરવામાં આવનાર છે. બાતમીના આધારે ટીમે વાંકાનેર શહેર નજીક નેશનલ હાઇવે પર ચંદ્રપુર ખાતે આવેલી લાઇફ લાઇન હોસ્પિટલ સામે વોચ ગોઠવી હતી.

દરમિયાન અહીંથી પસાર થતી સીએનજી રીક્ષા નં. GJ 03 BU 3649 ને અટકાવી તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન રીક્ષાના ડ્રાઇવર સીટની નીચે છુપાવવામાં આવેલ અંદાજે 1.9 કિલો ગાંજાનો જથ્થો, જેણીની બજાર કિંમત રૂ. 95,000 જેટલી થતી હોવાનું સામે આવ્યું હતું.

પોલીસે સ્થળ પર જ રીક્ષા ચાલક આરોપી જાહીદહુશેન નુરમામદભાઈ મકવાણા (ઉંમર 53 વર્ષ, રહે. કૃષ્ણનગર, પોપટપરા, રાજકોટ) ને ઝડપી પાડ્યો હતો. ગાંજાનો જથ્થો તથા સીએનજી રીક્ષા કબ્જે કરી આરોપી વિરુદ્ધ વાંકાનેર સિટી પોલીસ મથકે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

આ સમગ્ર કાર્યવાહીથી નશીલા પદાર્થોની હેરાફેરી કરતા તત્વોમાં હડકંપ મચી ગયો હોવાનું જણાઈ રહ્યું છે.















