રાજ્યના આ અત્યંત મહત્ત્વના રાષ્ટ્રીય પર્વની તૈયારીને લઈને તંત્રને વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું છે

ગુજરાત સરકારે આગામી પ્રજાસત્તાક દિન–26 જાન્યુઆરી, 2026ની રાજ્યકક્ષાની મુખ્ય ઉજવણી વાવ–થરાદ જિલ્લામાં કરવાની સત્તાવાર જાહેરાત કરી છે. રાજ્યના આ અત્યંત મહત્ત્વના રાષ્ટ્રીય પર્વની તૈયારીને લઈને તંત્રને વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું છે. કાર્યક્રમો સુવ્યવસ્થિત અને ભવ્ય રીતે યોજાય તે માટે સરકારએ તમામ વિભાગોને તાત્કાલિક આયોજન પૂર્ણ કરવાની સૂચના પણ આપી છે.

સરકારના નિર્દેશ અનુસાર ત્રણ મુખ્ય કાર્યક્રમોનું સ્થળ તાત્કાલિક નક્કી કરી તેની માહિતી રાજ્યને મોકલવાની રહેશે.
ધ્વજવંદન કાર્યક્રમ – 26 જાન્યુઆરી

એટ-હોમ કાર્યક્રમ – 25 જાન્યુઆરી
સાંસ્કૃતિક કાર્યક્રમ – 25 જાન્યુઆરી
આ ત્રણેય કાર્યક્રમો માટે મિનિટ-ટુ-મિનિટ શિડ્યૂલ, ડાયસ પ્લાન, તથા જરૂરી પ્રોટોકોલની ફાઈલ રાજ્ય મંગાવવાની રહેશે. સાથે જ જિલ્લા તંત્રને સૂચના અપાઈ છે કે પ્રતિષ્ઠિત નાગરિકોની યાદી તૈયાર કરવી—જેઓને પરંપરા મુજબ માનનીય રાજ્યપાલ અને માનનીય મુખ્યમંત્રીના હસ્તે સન્માનિત કરવામાં આવશે. આ યાદી સાથે પોલીસ વેરીફિકેશન ફરજિયાત છે. સન્માનપત્રનો ડ્રાફ્ટ પણ મંજૂરી માટે મોકલવાનો રહેશે.

મુખ્ય કાર્યક્રમો સિવાય, મુખ્યમંત્રીની હાજરીમાં જિલ્લાને લગતા લોકાર્પણ અને ભૂમિપૂજન કાર્યક્રમો યોજાઈ શકે તેવો અંદાજ તંત્રને આપવામાં આવ્યો છે. તેથી એવા તમામ કાર્યની વિગતવાર યાદી તૈયાર કરી રાજ્યને પાઠવવાની રહેશે.

ગત વર્ષ – તાપીમાં ઉજવાયેલી 76મી પ્રજાસત્તાક દિનની ઝાંખી
ગત વર્ષે રાજ્યકક્ષાની ઉજવણી તાપી જિલ્લામાં આયોજિત થઈ હતી. પોલીસ બેન્ડની સુમેળભરી ધૂન સાથે પોલીસ, SRP, મરીન કમાન્ડો, ચેતક કમાન્ડો, મહિલા-પુરુષ પ્લાટૂન, NCC–NSS કેડેટ્સની શિસ્તબદ્ધ માર્ચ પાસ્ટ પ્રેક્ષકોમાં દેશપ્રેમનો જુવાળ જગાવી દીધો હતો. બુલેટપ્રૂફ વાહનોનાં નિદર્શન, દિલધડક મોટરસાયકલ સ્ટંટ અને ગુજરાત શ્વાનદળ–અશ્વદળના પ્રદર્શનોએ સમગ્ર મેદાનમાં રોમાંચ ભરી દીધો હતો.

આ વર્ષે વાવ–થરાદ પર નજર
ગત વર્ષની ભવ્ય સફળતા બાદ 2026ની ઉજવણી માટે નવા બનેલા જિલ્લા વાવ–થરાદ મા ઉત્સુકતા જોવાઈ રહી છે. રાજ્ય સ્તરે આયોજિત આવો મહોત્સવ જિલ્લાને એતિહાસિક ઓળખ અપાવશે, એવો સ્થાનિક તંત્રનો વિશ્વાસ છે. તમામ તૈયારીઓ ઝડપથી આગળ વધી રહી છે અને સરકારના દૈનિક મોનિટરિંગમાં સમગ્ર પ્રક્રિયા ચાલી રહી છે.




