
મોરબીમાં ૧૮ ડિસેમ્બરના રોજ વાઇબ્રન્ટ ગુજરાત અંતર્ગત પ્રભારી મંત્રી ત્રિકમ છાંગાની અધ્યક્ષતામાં સવારે ૧૦:૩૦ થી ૧૭:૦૦ દરમિયાન કેશવ બેંક હોલ, લીલાપર રોડ, મોરબી ખાતે જિલ્લા સ્તરીય કાર્યક્રમ યોજનાર છે. આ કાર્યક્રમના આયોજન માટે જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા વિવિધ તૈયારીઓ કરવામાં આવી રહી છે.

આ બાબતે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરક મેનેજર એસ.બી. પારેજીયાએ જણાવ્યું હતું કે, રાજકોટ ખાતે યોજાનાર વાઇબ્રન્ટ ગુજરાત રિજીયોનલ કોન્ફરન્સ અંતર્ગત આયોજિત જિલ્લા સ્તરીય આ કાર્યક્રમમાં મોરબી જિલ્લામાં આવેલા ઔદ્યોગિક એકમો દ્વારા નવા મૂડી રોકાણ કરવામાં આવશે

જેના MoU પણ આ દરમિયાન થશે. વધુમાં મંત્રીના હસ્તે જિલ્લાના વિવિધ એકમોને સરકારની યોજનાઓ અંતર્ગત લાભોનું વિતરણ કરવામાં આવશે. ઉપરાંત જિલ્લાના ઉદ્યોગકારોને GST/Labour ના કાયદાઓ, GeM (Government e-Market Place) તથા સરકારની વિવિધ ઔદ્યોગિક પ્રોત્સાહક યોજનાઓ વિશે માર્ગદર્શન આપવા સેમીનારનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

જિલ્લાના ઉદ્યોગકારો તેમના સ્વદેશી ઉત્પાદનોનું પ્રદર્શન / વેચાણ કરી શકે તે માટે ૨૦ જેટલા સ્ટોલનું પ્રદર્શન પણ ગોઠવવામાં આવશે કે, જ્યાં વિવિધ માર્ગદર્શન માટે સરકારી કચેરીઓના સ્ટોલ પણ ઉપલબ્ધ રહેશે.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ, સાંસદઓ, ધારાસભ્યઓ સહિત જિલ્લાના પદાધિકારીઓ, જિલ્લાના અગ્રણી ઉદ્યોગકારો તથા પ્રતિષ્ઠિત મહાનુભાવો ઉપસ્થિત રહેશે. ત્યારે આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી આ આયોજનનો વધુને વધુ લાભ લેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઉદ્યોગકારો, નવા ઉદ્યોગ સાહસિકો તથા મોરબી જિલ્લાવાસીઓને અનુરોધ કરવામાં આવ્યો છે.





