અમદાવાદ : ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા વિજયભાઈ રૂપાણીનું આજે અમદાવાદ નજીક એર ઈન્ડિયાના વિમાન AI 171ના દુઃખદ દુર્ઘટનામાં નિધન થયું છે. આ ઘટનાની પુષ્ટિ કેન્દ્રીય મંત્રી અને ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે મોડી સાંજે મીડિયા સમક્ષ કરી.

વિમાનમાં 242 મુસાફરો સવાર હતા, જે લંડનના ગેટવિક એરપોર્ટ તરફ જઈ રહ્યું હતું. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 175 થી વધુ લોકોના મોત થયા હોવાનું સત્તાવાર સૂત્રો જણાવે છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. વિજયભાઈ રૂપાણી લંડનમાં રહેતી તેમની પુત્રીને મળવા અને પત્ની અંજલીબેન રૂપાણીને પરત લાવવા જઈ રહ્યા હતા. અંજલિબેન હાલ લંડનથી અમદાવાદ આવવા રવાના થયા નું અને આવતીકાલે બપોરે 1 વાગ્યે ગુજરાત પહોંચશે તેમ જાણવા મળે છે.

રાજકીય અને સામાજિક ક્ષેત્રે શોકની લાગણી: આ દુઃખદ સમાચાર ફેલાતાં જ ગુજરાત અને દેશભરમાં શોકનું મોજું ફરી વળ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શોક વ્યક્ત કરતાં લખ્યું “અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનાએ આપણને સ્તબ્ધ કરી દીધા છે. આ દુઃખની ઘડીમાં મારી સંવેદનાઓ પીડિત પરિવારો સાથે છે.” ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઘાયલોને તાત્કાલિક સારવાર મળે તે માટે ગ્રીન કોરિડોરની વ્યવસ્થા કરવા સૂચના આપી છે. ભાજપના ગુજરાત પ્રદેશ પ્રવક્તા યજ્ઞેશ દવેએ જણાવ્યું, “વિજયભાઈ રૂપાણી પંજાબ અને ચંદીગઢના ભાજપ પ્રભારી હતા તેમનું નિધન રાજકીય ક્ષેત્રે મોટી ખોટ છે.”

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, ગૃહમંત્રી અમિતભાઈ શાહ સહિત ભાજપના અનેક વરિષ્ઠ નેતાઓ વિજયભાઈની અંતિમ યાત્રામાં સામેલ થવા ગુજરાત આવી રહ્યા છે. રાજકોટ, વિજયભાઈનું વતન, સહિત રાજ્યભરમાં શોકસભાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

દુર્ઘટનાની વિગતોઃ એર ઈન્ડિયાનું બોઇંગ 787-8 ડ્રીમલાઈનર વિમાન (ફ્લાઈટ AI 171) અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી બપોરે 1:38 વાગ્યે ઉડાન ભર્યું હતું. ઉડાન ભર્યાની થોડી જ મિનિટોમાં વિમાન મેઘાણીનગર વિસ્તારમાં એરપોર્ટની બાહ્ય દિવાલ સાથે અથડાઈને નજીકના રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું નાગરિક ઉડ્ડયન મંત્રીએ જણાવ્યું કે, પાયલટે ક્રેશ પહેલાં મે ડે કોલ કરીને એર ટ્રાફિક કંટ્રોલ (એટીસી) સાથે સંપર્ક કર્યો હતો.

અમદાવાદ એરપોર્ટે તમામ ફ્લાઈટ ઓપરેશન્સ તાત્કાલિક સ્થગિત કરી દીધા છે. રાષ્ટ્રીય આપત્તિ નિવારણ દળ (NDRF), અગ્નિશામક દળ અને સ્થાનિક પોલીસ રેસ્ક્યુ અને રાહત કામગીરીમાં લાગેલા છે. ઘાયલોને અમદાવાદની સિવિલ હોસ્પિટલ અને અન્ય નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. એર ઈન્ડિયાએ શોક વ્યક્ત કરતાં તેમનો સોશિયલ મીડિયા લોગો કાળો કરી દીધો છે અને પીડિત પરિવારોને સહાયની ખાતરી આપી છે.

વિજયભાઈ રૂપાણીની રાજકીય સફર: 2 ઓગસ્ટ, 1956ના રોજ મ્યાનમારના યાંગોનમાં જન્મેલા વિજય રામચંદ્ર રૂપાણીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથે પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી. રાજકોટમાં સ્થાયી થયેલા તેમના પરિવારની પૃષ્ઠભૂમિમાંથી તેમણે શિક્ષણ પૂર્ણ કર્યું અને ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજમાંથી બી.એ. તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી એલએલબીની ડિગ્રી મેળવી. RSS અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) સાથેના સંપર્કે તેમની રાષ્ટ્રવાદી વિચારધારાને મજબૂત કરી.

1970ના દાયકામાં ભારતીય જનસંઘ અને બાદમાં ભાજપ સાથે જોડાઈને તેમણે રાજકોટમાં સંગઠનને મજબૂત કર્યું. 1987માં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના સભ્ય અને 1996-97માં મેયર તરીકે સેવા આપી. 2002થી 2014 સુધી રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કર્યું અને રાજ્ય સરકારમાં પાણી પુરવઠા, પરિવહન, શ્રમ અને રોજગાર જેવા ખાતાઓ સંભાળ્યા. 2014માં રાજ્યસભાના સભ્ય બન્યા અને 2016માં ગુજરાતના 16મા મુખ્યમંત્રી તરીકે જવાબદારી સ્વીકારી.

તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ (2016-2021) દરમિયાન ગુજરાતે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઔધોગિક વિકાસ અને ડિજિટલ ગુજરાત જેવી પહેલોમાં પ્રગતિ કરી. વાઈબ્રન્ટ ગુજરાત સમિટ દ્વારા વિદેશી રોકાણ આકર્ષવામાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી. 2017ની ચૂંટણીમાં ભાજપની જીત બાદ તેઓ ફરી મુખ્યમંત્રી બન્યા, પરંતુ 2021માં પાર્ટીના નિર્ણયને પગલે રાજીનામું આપ્યું રાજીનામા બાદ તેઓ પંજાબ અને ચંદીગઢના ભાજપ પ્રભારી તરીકે સક્રિય રહ્યા.

વિરાસત અને સામાજિક યોગદાન: વિજયભાઈ રૂપાણીએ શિક્ષણ, આરોગ્ય અને ગ્રામીણ વિકાસ માટે RSSના માધ્યમથી સામાજિક કાર્યોમાં યોગદાન આપ્યું જૈન સમુદાયના સભ્ય તરીકે તેમણે ધાર્મિક-સામાજિક સંસ્થાઓ સાથે જોડાણ જાળવ્યું ‘સૌની’ યોજના જેવી નીતિઓએ ખેડૂતો અને ગ્રામીણ વિસ્તારોનો વિકાસ સાધ્યો. તેમની સાદગી, સમર્પણ અને લોકો સાથેના સીધા સંપર્કે તેમને જન-નેતા બનાવ્યા.

દુર્ઘટનાની તપાસ: આ દુર્ઘટનાના કારણોની તપાસ માટે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) અને અન્ય સંસ્થાઓએ કામગીરી શરૂ કરી છે. પ્રારંભિક અહેવાલોમાં ટેકનિકલ ખામીની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ વિગતવાર તપાસ બાદ જ સ્પષ્ટ ચિત્ર બહાર આવશે.

ગુજરાતની જનતાનો શોક: વિજયભાઈ રૂપાણીના અકાળે નિધનથી ગુજરાતની જનતા અને રાજકીય સમુદાય શોકમાં ડૂબેલો છે. તેમના પરિવારમાં પત્ની અંજલી રૂપાણી અને પુત્રનો સમાવેશ થાય છે. રાજકોટમાં તેમની અંતિમ યાત્રાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, જેમાં હજારો લોકો સામેલ થવાની શક્યતા છે. ઓમ શાંતિ…

















