અમદાવાદ પ્લેન ક્રેશ: રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સ્વ.વિજય રૂપાણીના DNA થયા મેચ
અમદાવાદ પ્લેન ક્રેશમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ દુઃખદ નિધન થયું છે. જેને લઈને આવતીકાલે 16 જૂનના રોજ ગુજરાતમાં એક દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. આવતીકાલે તેમનો પાર્થિવ દેહ રાજકોટ લઈ જવામાં આવશે. જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

શહેરમાં થયેલા પ્લેન ક્રેશમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ દુઃખદ નિધન થયું છે. જેને લઈને આવતીકાલે રાજકોટમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. સાથે જ આવતીકાલે ગુજરાતમાં રાજકીય શોક પણ જાહેર કરવામાં આવ્યો છે.

જેથી આવતીકાલે રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે. તેમના ડીએનએ સેમ્પલ મેચ થયા બાદ આજે પત્રકાર પરિષદ યોજાઈ હતી. આ પત્રકાર પરિષદમાં તેમના પરિવાર સાથે ભાજપના નેતાઓ પણ જોડાયા હતા. આ પત્રકાર પરિષદમાં જણાવવામાં આવ્યું કે વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર રાજકોટમાં કરવામાં આવશે. સાથે જ એવું પણ જણાવવામાં આવ્યું કે કાલે તેમનો પાર્થિવ દેહ રાજકોટ લઈ જવામાં આવશે. જેમાં સાંજના 6 વાગ્યે તેમના અંતિમ સંસ્કારની વિધિ થશે.

પૂર્વ સીએમ વિજય રૂપાણી ગુજરાતના એક લોકપ્રિય નેતા હતા. તેમના નિધનને લઈને ગુજરાતને મોટી ખોટ પડી છે. વિજયભાઈના જાહેર જીવન અને લોકપ્રિયતાને ધ્યાનમાં રાખી, સૌ વધુને વધુ લોકોએ અંતિમ શ્રદ્ધાંજલિ આપી શકે તે હેતુથી તેમનો અંતિમ મુસાફરો વિશાળ રૂટ દ્વારા યોજાવાનો છે. તેઓના અંતિમ સંસ્કારને લઈને સમગ્ર માહિતી નીચે મુજબ વિગતવાર તમે જોઈ શકો છો.

16 જૂન, સોમવાર – અંતિમ વિદાયનો દિવસ
સવારના 11:00 વાગ્યે વિજયભાઈ રૂપાણીના પાર્થિવ દેહને ગાંધીનગર સ્થિત તેમના નિવાસસ્થાનેથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ તરફ લઈ જવામાં આવશે. સવારના 11:30 વાગ્યે દેહનો સ્વીકાર અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે થશે. 11:30 થી 12:30 દરમિયાન પાર્થિવ દેહ સિવિલ હોસ્પિટલથી અમદાવાદ એરપોર્ટ તરફ રવાના થશે. 12:30 વાગે એરપોર્ટ પરથી હવાઈ માર્ગે રાજકોટ માટે ફ્લાઇટ લેશે. બપોરે 2:00 વાગ્યે દેહ રાજકોટ એરપોર્ટ પર પહોંચશે. ત્યારબાદ 2:00 થી 4:00 દરમિયાન વિશિષ્ટ રૂટ મારફતે પાર્થિવ દેહ રાજકોટ નિવાસસ્થાન તરફ લઈ જવાશે – જેમાં ગ્રીનલેન્ડ ચોકડી, રણછોડદાસ આશ્રમ, કેડી ચોક, સંત કબીર રોડ, સરદાર સ્કૂલ, પુજિત રૂપાણી ટ્રસ્ટ, ભાવનગર રોડ, કેસરીહિંદ પુલ અને અન્ય મુખ્ય માર્ગોનો સમાવેશ થાય છે.

4:00 થી 5:00 – જાહેર દર્શન
રાજકોટ નિવાસસ્થાન (પુજિત, પ્રકાશ સોસાયટી, નિર્મલા કોન્વેન્ટ સામે) ખાતે પાર્થિવ દેહના જાહેર દર્શન માટે વ્યવસ્થા કરાશે. લોકો તેમના નેતાને અંતિમ વિદાય આપી શકે તે માટે આ સમય નક્કી કરાયો છે.

5:00 થી 6:00 – અંતિમયાત્રા
નિવાસસ્થાનેથી રામનાથપરા સ્મશાન યાત્રા હાથ ધરવામાં આવશે. માર્ગમાં નિર્મલા કોન્વેન્ટ રોડ, કોટેચા ચોક, મહિલા કોલેજ ચોક, યાજ્ઞિક રોડ, માલવિયા ચોક, ત્રિકોણબાગ, રાજશ્રી ટોકીઝ રોડ, સ્વામિનારાયણ મંદિર સહિતના ચોક પાસેથી પસાર થવાનું આયોજન છે.

17 જૂન, મંગળવાર – શ્રદ્ધાંજલિ સભા, રાજકોટ
સમય: સાંજે 3:00 થી 6:00 સ્થળ: રેસકોર્સ મેદાન, રાજકોટ રાજકોટમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાંજલિકારોની હાજરી માટે વિશાળ સભાની તૈયારી છે.

19 જૂન, ગુરુવાર – શ્રદ્ધાંજલિ સભા, ગાંધીનગર
સમય: સવારે 9:00 થી 12:00 સ્થળ: હૉલ નં. 1, એક્ઝિબિશન સેન્ટર, હેલીપેડ ગ્રાઉન્ડ, ગાંધીનગર
ઉલ્લેખનીય છે કે, સમગ્ર કાર્યક્રમ દરમિયાન પોલીસ બંદોબસ્ત, ટ્રાફિક નિયંત્રણ અને જાહેર સહયોગ માટે વિસ્તૃત યોજના તૈયાર કરવામાં આવી છે. રાજકીય નેતાઓ, સરકારી અધિકારીઓ અને વિજયભાઈના ચાહકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે તેવી શક્યતા છે.




















