અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થયું છે. આ દુઃખદ સમાચારથી સમગ્ર ગુજરાત ખાસ કરીને રાજકોટ શોકમગ્ન બન્યું છે.

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા વિજય રૂપાણીનું અમદાવાદ ખાતે થયેલી એર ઈન્ડિયાની વિમાન દુર્ઘટનામાં નિધન થયું છે. આ દુઃખદ સમાચારથી સમગ્ર ગુજરાત ખાસ કરીને રાજકોટ શોકમગ્ન બન્યું છે. વિજય રૂપાણીના નિધનની ઘટનાએ રાજકીય, સામાજિક અને વ્યાપારી વર્તુળોમાં શોકની લાગણી ફેલાવી છે.

ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા બંધનું એલાન અપાયું
વિજય રૂપાણી, જેઓ રાજકોટ (પશ્ચિમ)ના ધારાસભ્ય રહ્યા હતા અને 2016થી 2021 સુધી ગુજરાતના 16મા મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી, તેમનું નિધન રાજકોટ માટે અપૂરણીય ખોટ છે. દિવંગત નેતા વિજય રૂપાણીના સન્માનમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે આવતીકાલે (14 જૂન 2025) અડધા દિવસ માટે ધંધા-રોજગાર બંધ રાખવાનું એલાન કર્યું છે. ચેમ્બરે તમામ વેપારીઓ અને ઉદ્યોગકારોને આ બંધમાં જોડાવાની અપીલ કરી છે. આ બંધ દ્વારા શહેરના વેપારી વર્ગે પૂર્વ મુખ્યમંત્રીને શ્રદ્ધાંજલિ આપવાનો નિર્ણય લીધો છે.

રાજકોટની 600થી વધારે શાળાઓ રહેશે બંધ
એટલું જ નહીં, વિજય રૂપાણીના નિધનને લઈને રાજકોટમાં શાળા સંચાલકો દ્વારા સ્વેચ્છાએ શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આવતીકાલે રાજકોટની તમામ ખાનગી શાળાઓ બંધ રહેશે. જેમાં એક દિવસ શાળાઓ બંધ રાખીને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. આવતીકાલે રાજકોટની 600થી વધારે સ્કૂલો બંધ રહેવાની છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

અંતિમ વિધિ રાજકોટમાં થશે
હાલમાં ગાંધીનગર સ્થિત તેમના નિવાસસ્થાને સાંત્વના આપવા લોકો ઊમટી રહ્યા છે. પીએમ મોદીએ વિજય રૂપાણીના પત્ની અંજલિબેનને મળીને સાંત્વના આપી હતી. મળી રહેલા સમાચાર અનુસાર, વિજય રૂપાણીની અંતિમ વિધિ રાજકોટમાં થશે. તેમના પુત્ર ઋષભ હાલ યુએસએથી રવાના થયા છે. પુત્ર ઋષભ આવતીકાલે અમેરિકાથી આવશે પછી દિવંગત વિજય રૂપાણીની અંતિમવિધિ રાજકોટમાં થશે.
























