
મોરબી, તા. 11 જુલાઈ 2025 – જિલ્લા વિકાસ અધિકારી શ્રી જે. એસ. પ્રજાપતિના સીધા માર્ગદર્શન હેઠળ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. પી. કે. શ્રીવાસ્તવના સુત્રધારત્વમાં આજે “વિશ્વ વસ્તી દિવસ”ની ઉજવણી મોરબી જિલ્લાના વિવિધ આરોગ્ય કેન્દ્રો તેમજ આયુષ્માન આરોગ્ય મંદિરો ખાતે ઉમંગપૂર્વક કરવામાં આવી.

આ વર્ષે વિશ્વ વસ્તી દિવસનું સૂત્ર “મા બનવાની ઉમર એ જ જયારે શરીર અને મન તૈયાર હોય” છે. આ અંતર્ગત 11 જુલાઈથી 18 જુલાઈ 2025 દરમિયાન લક્ષિત દંપતીનો સંપર્ક કરીને તેમને કુટુંબ નિયોજન વિશે માહિતી આપવામાં આવશે અને યોગ્ય પગલાં લેવા માટે પ્રેરણા આપવામાં આવશે.

ડૉ. પી. કે. શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, આ અભિયાન અંતર્ગત બિન કાયમી તથા કાયમી પદ્ધતિઓ વિશે વિસ્તૃત માહિતી આપવી, તેમજ સેવા મેળવવા માટે લોકોને ઉત્તેજિત કરવાનું મુખ્ય ઉદ્દેશ છે.

ઉલ્લેખનીય છે કે આ ઝુંબેશ અંતર્ગત ગુરુ શિબિરો, લઘુ શિબિરો, માહિતીપ્રદ પ્રદર્શન, માઈક દ્વારા જાગૃતિ, બેનર-પત્રિકા વિતરણ, રેલીઓ, સાસુ-વહુ અને નવદંપતી મિટિંગ્સ જેવા કાર્યક્રમો યોજાશે. તદુપરાંત, આરોગ્ય કર્મચારીઓ ઘરે ઘરે જઈને લક્ષિત દંપતીનો સંપર્ક કરશે.

અભિયાન દરમિયાન વધતી વસ્તીના પરિણામે ઊભા થતા સામાજિક અને આર્થિક પ્રશ્નો અંગે લોકોને માહિતગાર કરવામાં આવશે. લગ્ન બાદ તરત સંતાન ન લેવું, બે સંતાનો વચ્ચે ઓછામાં ઓછો ત્રણ વર્ષનો અંતર રાખવો અને નાના કુટુંબના ફાયદા અંગે માર્ગદર્શન આપવામાં આવશે.

વિશ્વ વસ્તી દિવસની ઉજવણી દ્વારા આરોગ્ય વિભાગ મોરબી જિલ્લા માં સંખ્યાત્મક સ્થિરતા અને સ્વસ્થ કુટુંબની દિશામાં યથાયોગ્ય પ્રયાસ કરી રહ્યો છે.
























