
થોડા સમય પહેલાં વોટ્સએપના સ્વદેશી વિકલ્પ તરીકે ભારતીય ઝોહો કોર્પોરેશનની અરાત્તાઇ એપ ખાસ્સી ગાજી હતી. એક સમયે પ્લે સ્ટોરમાં સોશિયલ મીડિયામાં ટોપ એપના લિસ્ટમાં તેનું નામ પહોંચી ગયું હતું.

જોકે હવે લોકોનો ઉત્સાહ ઓસરી રહ્યો છે અને અરાત્તાઇની ડાઉનલોડ સંખ્યા ગગડવા લાગી છે. આમ છતાં આ એપના એક ફીચરે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. આપણે વોટ્સએપમાંથી અરાત્તાઇ તરફ સ્વિચ કરવા માગતા હોઈએ તો વોટ્સએપમાંના આપણા ગ્રૂપ ચેટિંગને અરાત્તાઇમાં એક્સપોર્ટ કરી શકીએ છીએ.

જોકે ઝોહો કોર્પોરેશનના સ્થાપક શ્રીધર વેમ્બૂ એથી ઘણું આગળનું વિચારી રહ્યા છે. તેઓ અરાત્તાઇ, વોટ્સએપ વગેરે મેસેજિંગ એપ્સ વચ્ચે ક્રોસ કોમ્પેટિબિલિટી શક્ય બનાવવાના પ્રયાસ કરી રહ્યા છે. આનો અર્થ એ થયો કે આપણે વોટ્સએપ પર એક્ટિવ હોઇએ પણ આપણા કોઈ મિત્ર સ્વદેશીના આગ્રહથી ફક્ત અરાત્તાઇ પર એક્ટિવ હોય તો પણ આપણે વોટ્સએપમાંથી તેમને મેસેજ મોકલી શકીએ. એ જ રીતે એ મિત્ર પોતાની અરાત્તાઇ એપમાંથી આપણી સાથે વાતચીત ચલાવી શકે.

મજાની વાત એ છે કે અત્યારે વોટ્સએપ પોતે આ રીતે અન્ય મેસેજિંગ એપ્સ સાથે ક્રોસ કોમ્પેબિલિટી પર કામ કરી રહી છે. કદાચ કંપનીને એવી ફરજ પડી રહી છે કેમ કે અત્યારે યુરોપમાં આ ફીચર પર કામ ચાલી રહ્યું છે. યુરોપિયનના કડક નિયમોને કારણે વોટ્સએપ કંપનીએ અન્ય મેસેજિંગ પ્લેટફોર્મ સાથે દોસ્તીનો હાથ લંબાવવો પડ્યો હોય તેવી શક્યતા છે.

યુરોપમાં અત્યારે વોટ્સએપ જેવી બર્ડીચેટ નામની એક મેસેજિંગ એપ્સ સાથે વોટ્સએપમાંથી મેસેજની આપલે શક્ય બની છે. અત્યારે વોટ્સએપનાં બધાં ફીચર આ રીતે અન્ય એપમાં ઉપલબ્ધ નહીં થાય પરંતુ વોટ્સએપમાંથી બર્ડીચેટમાં અને બર્ડીચેટમાંથી વોટ્સએપમાં મેસેજની સાદી આપલે શક્ય બની ગઈ છે.

મેસેજની વોટ્સએપ બહારની આપલે શક્ય બનાવવા માટે વોટ્સએપમાં સેટિંગ્સમાં એકાઉન્ટ અને તેમાં થર્ડ પાર્ટી ચેટ્સનો વિકલ્પ ઓન કરવાનો રહે છે. આ પછી વોટ્સએપમાંથી અન્ય એપ્સ સાથે ટેકસ્ટ, ઇમેજિસ, વીડિયો વોઇસ નોટ્સ તથા ડોક્યુમેન્ટ્સની આપલે શક્ય બને છે. ઝોહો કોર્પોરેશનને શ્રીધર વેમ્બૂ અરાત્તાઇ એપમાં આવું જ કંઈક શક્ય બનાવવા માગે છે. જોકે ભારતમાં યુરોપ જેવા કાયદાના દબાણ વિના વોટ્સએપ એ માટે સંમત થશે કે કેમ એ સવાલ છે.


