
વોટ્સએપ દ્વારા હાલમાં જ નવું ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફીચરની મદદથી યુઝર્સ સ્ટેટસમાં સવાલ પૂછી શકશે. આ ફીચર એન્ડ્રોઇડના બીટા વર્ઝનમાં જોવા મળ્યું છે. એની સાથે યુઝર્સ પોતાના નંબરની જગ્યાએ હવે યુઝરનેમનો ઉપયોગ કરી શકશે એ ફીચર પણ આવી રહ્યું છે. સવાલ પૂછવા માટેના ફીચરની ‘સ્ટેટસ ક્વેશ્ચન’ નામ આપવામાં આવ્યું છે. આ ફીચર અત્યાર સુધી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર હતું જેને હવે વોટ્સએપમાં પણ લાવવામાં આવી રહ્યું છે.

એક સ્ટેટસમાં એક સવાલ
વોટ્સએપ પર યુઝર્સને એકમેક સાથે વધુ સંપર્કમાં લાવવા માટે સ્ટેટસ ક્વેશ્ચન લોન્ચ કરવામાં આવ્યું છે. આ માટે યુઝર્સ સ્ટેટસમાં સવાલ કરી શકશે. તેમ જ એક સ્ટેટસમાં એક જ સવાલ પૂછી શકાશે. આ સવાલના જવાબ જે પણ યુઝર્સ આપશે એને ફક્ત સવાલ કરનાર જ જોઈ શકશે. ઉદાહરણ તરીકે કોઈ વ્યક્તિએ ફરવા જવું હોય તો એ માટે કઈ જગ્યાએ જવું એ માટે સ્ટેટસ પર સવાલ કરી સજેશન માગી શકે છે. આ ફીચર દ્વારા યુઝર્સ વધુ સંપર્કમાં આવશે.

સવાલનો સ્ટિકર તરીકે ઉપયોગ
આ ફીચરને એક સ્ટિકર તરીકે પણ ઉપયોગ કરી શકાય છે. એટલે કે યુઝર દ્વારા એક ફોટો અથવા તો વીડિયો શેર કરવામાં આવે અને આ કઈ જગ્યાનો છે એ સવાલ કરવામાં આવે ત્યારે સ્ટિકરનો ઉપયોગ કરી શકાશે. આ સ્ટિકર જે-તે ફોટો અથવા તો વીડિયોની ઉપર સ્ટિકર તરીકે સવાલ જોવા મળશે. આથી અન્ય યુઝર્સને પણ ફોટો અને વીડિયો આકર્ષિત કરી શકે.

વ્યુઅર્સ લિસ્ટમાં હશે સવાલ-જવાબનું સેક્શન
યુઝર્સ જ્યારે સ્ટિકર દ્વારા સવાલ પૂછવામાં આવે કે સામાન્ય રીતે સવાલ પૂછવામાં આવે ત્યારે જે-તે અન્ય યુઝર્સના જવાબને નોટિફિકેશન દ્વારા જાણ કરવામાં આવશે. આ સવાલના જવાબને હવે વ્યુઅર્સ લિસ્ટમાં રાખવામાં આવશે. એટલે કે કોણે-કોણે સ્ટેટસ જોયું છે એ સેક્શનમાં અલગથી બીજું સેક્શન હશે જેમાં આ જવાબ જોવા મળશે. આ જવાબને યુઝર ફરી એક નવા સ્ટેટસ દ્વારા શેર પણ કરી શકે છે. તેમ જ જે-તે યુઝર્સની ઓળખને પ્રાઇવેટ પણ રાખી શકે છે. આ સાથે જ જરૂરી ન હોય એવા જવાબને ડિલીટ પણ કરી શકશે.

એન્ડ-ટૂ-એન્ડ ઇન્ક્રિપ્શન
વોટ્સએપ દ્વારા વાતચિતમાં અને ફોન કોલ તેમજ વીડિયો કોલમાં એન્ડ-ટૂ-એન્ડ પ્રાઇવસી આપવામાં આવી છે. જોકે હવે સ્ટેટસ દ્વારા જે પણ જવાબ આપવામાં આવ્યા હશે એ દરેકને પણ એન્ડ-ટૂ-એન્ડ ઇન્ક્રિપ્શન દ્વારા સુરક્ષિત રાખવામાં આવશે. આથી દરેક યુઝર્સનું ઇન્ટરએક્શનને પ્રાઇવેટ રાખવામાં આવશે. આ પ્રાઇવસીને કારણે યુઝર્સ હવે પોતાની જાતને વધુ એક્સપ્રેસ કરી શકશે.

ફોન નંબર આપવાની જરૂર નહીં પડે
વોટ્સએપ પર વાતચિત કરવી હોય તો અત્યારે મોબાઇલ નંબર એકમેક સાથે શેર કરવો પડે છે. જોકે હવે વોટ્સએપ યુઝરનેમ લાવી રહ્યું છે. એની મદદથી યુઝર પોતાનો મોબાઇલ નંબર સિક્યોર રાખી શકે છે અને અન્ય વ્યક્તિને ફક્ત યુઝરનેમ આપી તેની સાથે વાત કરી શકે છે. આ ફીચર હાલમાં એન્ડ્રોઇડના બીટા વર્ઝનમાં છે એને બહુ જલદી લોન્ચ કરવામાં આવી શકે છે.

કેવું યુઝરનેમ રાખી શકાશે?
વોટ્સએપના યુઝરનેમમાં ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની જેમ લેટર્સ, નંબર અને સિમ્બોલનો સમાવેશ કરી શકશે. જોકે આ યુઝરનેમ ‘www.’થી શરૂ નહીં થઈ શકે. તેમ જ એમાં ફક્ત નંબર અથવા તો ફક્ત સિમ્બોલનો પણ સમાવેશ નહીં કરી શકાય. આ યુઝરનેમ જે-તે વ્યક્તિ જેટલું વહેલું બનાવશે એટલું તેમના માટે સારું પડશે કારણ કે યુઝરનેમ એક વાર લઈ લેવામાં આવતાં અન્ય વ્યક્તિ એ રાખી શકે નહીં. આ ફીચરની મદદથી વોટ્સએપ પણ હવે ટેલિગ્રામ અને સિગ્નલની લાઇનમાં આવી ગયું છે. આ ફીચર આ બન્ને પ્લેટફોર્મમાં પહેલેથી છે.














