
નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલ (એનસીએલએટી) દ્વારા વોટ્સએપને મોટો ઝટકો લાગ્યો છે. વોટ્સએપ હવે યુઝર્સની પરવાનગી વિના કોઈ ડેટા શેર કરી શકશે નહીં. ડેટા શેર કરતા પહેલા યુઝર્સની પરવાનગી લેવી પડશે. એનસીએલએટીએ સ્પષ્ટ કર્યું છે કે વોટ્સએપે કોઈપણ પ્રકારના ડેટા શેરિંગ માટે યુઝર્સની સ્પષ્ટ સંમતિ લેવી પડશે.
એનસીએલએટીએ કહ્યું કે, વોટ્સએપના કિસ્સામાં, પ્રાઈવસી અને યુઝર્સની સંમતિ અંગેના તેના નિર્દેશો માત્ર જાહેરાતો સુધી મર્યાદિત રહેશે નહીં, પરંતુ જાહેરાત અને બિન-જાહેરાત જેવા હેતુઓ માટે સમાન રીતે લાગું પડશે. કોર્ટે વોટ્સએપને તેનો અમલ કરવા માટે 3 મહિનાનો સમય આપ્યો છે.
યુઝર્સને ડેટાનો ઉપયોગ નક્કી કરવાનો અધિકાર
કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (સીસીઆઈ) દ્વારા દાખલ કરવામાં આવેલી સ્પષ્ટતા અરજી પર એનસીએલએટીએ પોતાના આદેશમાં કહ્યું છે કે વોટ્સએપ અને મેટા યુઝર્સના ડેટા પર એકપક્ષીય અધિકારોનો દાવો કરી શકતા નથી. યુઝર્સને કયો ડેટા, કયા હેતુ માટે, કેટલા સમય માટે તે નક્કી કરવાનો અધિકાર હોવો જોઈએ. જાહેરાતના હેતુ સાથે કોઈપણ બિન-આવશ્યક ડેટા સંગ્રહ માટે સંબંધિત યુઝર્સની સંમતિની જરૂર પડશે.

આખો મામલો શું છે? :-
સીસીઆઈએ તેના અગાઉના આદેશ અંગે સ્પષ્ટતા માંગી હતી. આ અંગે ટ્રિબ્યુનલના અધ્યક્ષ જસ્ટિસ અશોક ભૂષણની બેન્ચે સ્પષ્ટ કર્યું છે કે મેટા એકતરફી રીતે યુઝરના ડેટાનો દાવો કરી શકશે નહીં. આખો વિવાદ વર્ષ 2021 માં મેટા દ્વારા લાવવામાં આવેલી વિવાદાસ્પદ પ્રાઈવસી નીતિથી શરૂ થયો હતો. સીસીઆઈને જાણવા મળ્યું હતું કે મેટા વપરાશકર્તાઓને ડેટા શેર કરવા દબાણ કરવા માટે તેની પ્રભાવશાળી સ્થિતિનો અયોગ્ય લાભ લઈ રહી છે.















