
સૌરાષ્ટ્ર ગુજરાતમાં ચોમાસાની ગતિવિધી ધીમી પડી છે અને હજુ એકાદ સપ્તાહ સુધી નબળી જ રહેવાની તથા અમુક દિવસોમાં માત્ર છુટાછવાયા વરસાદી ઝાપટા પડવાની આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલે કરી છે.

તેઓએ આજે તા17 થી જુલાઈની 24 મી તારીખ સુધીમાં આગાહીમાં કહ્યું કે, આ દિવસો દરમ્યાન ચોમાસું ગતિવિધી સામાન્ય રીતે નબળી જ રહેવાની સંભાવના છે. કેટલાંક દિવસોમાં 5 થી 20 મીમી સુધીનાં છુટાછવાયા ઝાપટા કે હળવો-મધ્યમ વરસાદ થઈ શકે છે અને અમુક એકલદોકલ ભાગોમાં દોઢ ઈંચ (35 મીમી) સુધી

વરસાદ થવાની સંભાવના છે એકંદરે સમગ્ર સમયગાળામાં વરસાદ સામાન્ય કરતા ઓછો રહેશે. હવામાનનાં પ્રવર્તમાન પરિબળો વિશે તેઓએ કહ્યું કે મોનસુન ટ્રફ સક્રિય છે અને દરિયાકાંઠાની નજીકના સામાન્ય સ્થાન આસપાસ છે.

આ સિવાય ઉતર પશ્ચિમ રાજસ્થાન પરનુ મજબુત લો-પ્રેસર ધીમે ધીમે ઉતર-ઉતર પશ્ચિમ તરફ ખસીને મધ્ય પાકિસ્તાન તથા ઉતર પશ્ચિમ રાજસ્થાનમાં કેન્દ્રીત થઈને નબળુ પડયુ હતું. આ ઉપરાંત દક્ષિણ પશ્ચિમ બિહાર તથા લાગુ પૂર્વ ઉતર પ્રદેશ પર હોલમાર્ક લોપ્રેસર હતું.

તે પશ્ચિમ-ઉતર પશ્ચિમ તરફ ખસીને ડીપ્રેસનમાં રૂપાંતરીત થયુ હતું અને આજે સવારે પ્રયાગરાજ નજીક કેન્દ્રીત હતું. કલાકનાં ત્રણ કીમીની ઝડપે પશ્ચિમ-ઉતર પશ્ચિમ દિશામાં ખસ્યુ હતું.

આવતા બે દિવસ દરમ્યાન તે દક્ષિણ ઉતર પ્રદેશ તથા લાગુ ઉતર મધ્યપ્રદેશ તરફ પશ્ચિમ-ઉતર પશ્ચિમ દિશામાં આગળ વધવાની સંભાવના છે. અપર એર સાયકલોનીક સરકયુલેશન ક્ષેત્ર મંડળનાં નીચલા લેવલે પાકિસ્તાનનાં મધ્યભાગ પર સક્રિય છે.























