
અમેરિકા વિશ્વ આરોગ્ય સંગઠન (ડબ્લ્યુએચઓ)માંથી ઔપચારિક રીતે બહાર નીકળવાની પ્રક્રિયા પૂર્ણ કરી ચૂકયું છે. આ નિર્ણય પર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હસ્તાક્ષર કરેલાં કાર્યકારી આદેશને એક વર્ષ પૂર્ણ થયા બાદ અમલમાં આવ્યો છે.

ડબ્લ્યુએચઓનો સૌથી મોટો દાનદાતા હોવાના કારણે અમેરિકા બહાર નીકળતાં સંસ્થાનું નાણાકીય સંકટ વધુ ગંભીર બન્યું છે. અધિકારીઓએ ચેતવણી આપી છે કે તેની અસર દુનિયાભરમાં ચાલતી અનેક આવશ્યક આરોગ્ય સેવાઓ પર થવા લાગી છે.

નાણાકીય સંકટ પણ ઊભું થયું છે. ટ્રમ્પે પોતાનાં પ્રથમ કાર્યકાળ દરમિયાન પણ 2020માં ડબ્લ્યુએચઓ દ્વારા કોવિડ-19ને લઈને કરવામાં આવેલાં પ્રયાસોની ટીકા કરી હતી.
છેલ્લાં એક વર્ષથી અમેરિકા દ્વારા ડબ્લ્યુએચઓને આપાતી તમામ નાણાકીય સહાય બંધ કરી દેવામાં આવી છે. સાથે જ ડબ્લ્યુએચઓ સાથે સંકળાયેલાં અથવા તેની સાથે કામ કરતાં અમેરિકન કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટરોને જીનીવા સ્થિત મુખ્યાલય તેમજ વિશ્વભરનાં અન્ય કચેરીઓમાંથી પરત બોલાવી લેવાયાં છે.

તેથી અમેરિકા બહાર નીકળ્યું
ટ્રમ્પ પ્રશાસને ડબ્લ્યુએચઓમાંથી બહાર નીકળવાનો નિર્ણય એ કારણે લીધો હતો કે સંસ્થાએ ચીનના વુહાનમાંથી શરૂ થયેલી કોવિડ-19 મહામારીને સંભાળવામાં બેદરકારી દાખવી અને જરૂરી સુધારાઓ સમયસર અપનાવવામાં નિષ્ફળ ગઈ.

આ માહિતી અમેરિકાના આરોગ્ય અને માનવ સેવા વિભાગે આપી છે. વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ ડબ્લ્યુએચઓ પર આરોપ મૂક્યો હતો કે કોવિડ દરમિયાન ઘણી મહત્વપૂર્ણ માહિતી શેર કરવામાં આવી નહોતી, જેના કારણે અમેરિકન નાગરિકોની જિંદગી બચાવી શકાઈ હોત.

છેલ્લાં બે વર્ષોની ફી ચૂકવાઈ નથી
અમેરિકા ડબ્લ્યુએચઓનો સૌથી મોટો દાનદાતા રહ્યો છે, પરંતુ તેણે 2024-25ની પોતાની ફી હજી સુધી ચૂકવી નથી. જેના કારણે 260 મિલિયન ડોલરની રકમ બાકી રહી છે. ડબ્લ્યુએચઓનું કહેવું છે કે અમેરિકા હાલના નાણાકીય વર્ષની તમામ જવાબદારીઓ પૂર્ણ કર્યા બાદ જ સંસ્થામાંથી બહાર નીકળવાની મંજૂરી મેળવી શકે છે.

અમેરિકાના નિર્ણયની કડક ટીકા
જનઆરોગ્ય નિષ્ણાતોએ અમેરિકા દ્વારા ડબ્લ્યુએચઓમાંથી બહાર નીકળવાના નિર્ણયની કડક ટીકા કરી છે. તેમનું માનવું છે કે આ પગલાથી વૈશ્વિક આરોગ્ય સુરક્ષા નબળી પડશે અને તેની અસર અમેરિકાના જનઆરોગ્ય પર પણ પડશે.

શું અસર પડશે
2022-23 દરમિયાન અમેરિકાએ ડબ્લ્યુએચઓને 1.3 અબજ ડોલરનું યોગદાન આપ્યું હતું, જે તેના કુલ બજેટનું આશરે 12થી 15 ટકા હતું. અમેરિકાની ફંડિંગ બંધ થવાથી સંસ્થા ગંભીર નાણાકીય સંકટમાં ફસાઈ છે.

2026ના મધ્ય સુધીમાં ડબ્લ્યુએચઓનું કાર્યબળ 22 ટકા સુધી ઘટી શકે છે. જાન્યુઆરી 2025માં જ્યાં સંસ્થામાં 9,401 પદો હતા, ત્યાં જૂન સુધીમાં તેમાં અંદાજે 2,371 પદોની ઘટ થવાની શક્યતા છે. આ ઘટાડો નિવૃત્તિ, છટણી અને અન્ય કારણોસર થતા રાજીનામાઓને કારણે થશે.
વર્ષ 2022-23માં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO )ને યોગદાન આપનારા દેશો/સંસ્થાઓ અને તેમનું યોગદાન (મિલિયન ડોલરમાં)…

1. અમેરિકા – 1,284 મિલિયન ડોલર
2. જર્મની – 856 મિલિયન ડોલર
3. બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન – 830 મિલિયન ડોલર

4. ગાવી (વૈક્સિન અલાયન્સ) – 481 મિલિયન ડોલર
5. યુરોપીયન યુનિયન – 468 મિલિયન ડોલર
6. યુનાઇટેડ કિંગડમ – 396 મિલિયન ડોલર

7. કેનેડા – 204 મિલિયન ડોલર
8. રોટરી ઇન્ટરનેશનલ – 177 મિલિયન ડોલર
9. જાપાન – 167 મિલિયન ડોલર
10. ફ્રાંસ – 161 મિલિયન ડોલર







