કાલે વિશ્વ યોગ દિવસ: 5 હજાર વર્ષ પહેલા આપણા દેશમાં થઈ હતી યોગની શરૂઆત, યોગ આત્મા પર અનાદિકાળથી લાગેલા કર્મનો ક્ષય કરે; આત્માને મોક્ષની સાથે જોડે તે યોગ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી 21 જૂન 2015 થી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વના 177 દેશોમા યોગ દિવસ ઉજવવામાં આવે છે. યોગની શરૂઆત 5000 વર્ષ પહેલા આપણા દેશમાં થઈ હતી. ભારતને યોગના જન્મદાતા કહેવામાં આવે છે. મહર્ષિ પતંજલીને યોગના જનક માનવામાં આવે છે.

વોર્ડ નં. 1 ના પ્રભારી કાથડભાઈ ડાંગર જણાવે છે કે, યોગ એટલે જે જોડે છે તેને યોગ કહેવાય છે. યોગ આપણા દેશમાં સદીઓ પુરાણો છે, જેનું વર્ણન વેદ, ઉપનિષદ, કઠોપનિષદ, મહાભારત અને ભાગવત વગેરેમાં અનેકવાર કહેવામાં આવેલું છે.

ઉપનિષદમાં યોગ માટે તપ, ધ્યાન ભક્તિ, વૈરાગ્ય, વિવેક, બ્રહ્મચર્ય, ઉપાસના આદિ સત્યનું જ્ઞાન માપવાનું સાધન તરીકે યોગને જણાવેલ છે. ભગવદ ગીતા અને પુરાણ જેવા ગ્રંથોમાં ધ્યાનયોગ, કર્મયોગ, જ્ઞાનયોગ, ભક્તિયોગ, મંત્રયોગ, લયયોગ અને હઠયોગ જેવા યોગના વિવિધ સ્વરૂપોની વાત કરી છે. મહર્ષિ પતંજલિ એ યોગના આઠ અંગ બતાવેલ છે. યોગની જુદી જુદી અનેક વ્યાખ્યાઓ આપણા શાસ્ત્રોમાં છે. માનવ જીવનમાં સુખ-દુ:ખ, માન-અપમાન, જય-પરાજય આવે દરેક ઘટનાઓ વખતે સમતા રાખવી તેને યોગ કહેવાય છે.

યોગ એ બાહ્ય બાબત નથી પરંતુ આંતરિક અનુભૂતિ છે. દરેક વ્યક્તિની અંદર રહેલ ચૈતન્યનો વિકાસ કરવો તે યોગ છે. દરેક પ્રાણીમાત્રની અંદર ચેતન તત્ત્વ રહેલું હોય છે. પરંતુ ભગવાને મનુષ્યને બુદ્ધિ જેવું તત્ત્વ આપીને તેને સર્વોપરી બનાવ્યો છે.

મનુષ્ય શરીર દ્વારા પોતાના કલ્યાણ માટેના પ્રયત્નો કરી શકાય છે અને આના માટે યોગ આપણને મદદરૂપ થઈ શકે છે. ભગવાન કૃષ્ણે ગીતામાં પોતાને મહાયોગી કહ્યા છે. તેઓ પોતાનું સમગ્ર જીવન એક યોગીની પેઠે જીવ્યા છે. આત્માને મોક્ષની સાથે જોડે તે યોગ આત્માનો આંતરિક અને આધ્યાત્મિક વિકાસ તે યોગ છે આ યોગ આત્મા પર અનાદિકાળથી લાગેલા કર્મનો ક્ષય કરે છે.
























