
પશ્ચિમ એશિયામાં ઈરાન અને ઈઝરાયલ વચ્ચે વધતા જતા ભૌગોલિક-રાજકીય તણાવ અને હોર્મુઝની ખાડીમાં સર્જાયેલી નાકાબંધી જેવી ગંભીર સ્થિતિ વચ્ચે ભારત સરકારે દેશમાં ગેસ અને ઈંધણનો પુરવઠો જાળવી રાખવામાં મોટી સફળતા મેળવી છે.

બેલેસ્ટિક મિસાઇલો, બોમ્બમારા વચ્ચે પણ ભારતીય જહાજો સુરક્ષિત રીતે માલસામાન લઈને સ્વદેશ પરત ફરી રહ્યા છે, જે અંતર્ગત ૨૬મી માર્ચ, ૨૦૨૬ના રોજ ૪૭,૬૦૦ મેટ્રિક ટન લીકવીડ પેટ્રોલિયમ ગેસ સાથેનું વિશાળ જહાજ ‘જગ વસંત’ કંડલા બંદર ખાતે આવી પહોંચશે.


શિપિંગ મંત્રાલયના સ્પેશિયલ સેક્રેટરી રાજેશ સિન્હાએ આંતર-મંત્રાલય બ્રીફિંગમાં વિગતો આપતા જણાવ્યું હતું કે, ભારતીય ધ્વજ ધરાવતા બે મોટા એલપીજી કેરિયર જહાજો ‘પાઈન ગેસ’ અને ‘જગ વસંત’ સુરક્ષિત રીતે હોર્મુઝની ખાડી પાર કરી ચૂક્યા છે.

આ યુદ્ધ ક્ષેત્રમાંથી બહાર નીકળીને આ જહાજો હવે ભારતના કિનારા તરફ આગળ વધી રહ્યા છે. મંત્રાલયના જણાવ્યા મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દરિયામાં કોઈ અનિચ્છનીય ઘટના બની નથી, જે રાહતની બાબત છે.

વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દીનદયાળ પોર્ટ ઓથોરિટી (કંડલા) અને મુંદરા પોર્ટ દ્વારા ગેસ તથા ઓઈલ ટેન્કરો માટે ‘પ્રાયોરિટી બર્થિંગ’ (અગ્રતાના ધોરણે લાંગરવાની સુવિધા) આપવાની સૂચના આપવામાં આવી છે.

‘જગ વસંત’ માં રહેલો ૪૭,૬૦૦ ટન એલપીજીનો જથ્થો કંડલા ખાતે ઉતર્યા બાદ તેને પાઈપલાઈન અને રોડ ટેન્કરો દ્વારા ગુજરાત અને ઉત્તર ભારતના વિવિધ ગેસ પ્લાન્ટ્સમાં સપ્લાય કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, ભારત અત્યારે પોતાની ઉર્જા જરૂરિયાતો પૂર્ણ કરવા માટે મક્કમતાથી આગળ વધી રહ્યું છે. જગ વસંત ૪૭,૬૦૦ મેટ્રિક ટન એલપીજી સાથે ૨૬ માર્ચે કંડલા પહોંચશે,જયારે પાઈન ગેસ જહાજ ૪૫,૦૦૦ મેટ્રિક ટન એલપીજી સાથે ૨૭ માર્ચની સવારે ન્યુ મેંગલોર પોર્ટ પર પહોંચશે.

આ બે જહાજો દ્વારા કુલ ૯૨,૫૦૦ મેટ્રિક ટન રાંધણ ગેસ ભારત લાવવામાં આવી રહ્યો છે.આ પૂર્વે ગત ૧૭મી માર્ચે ‘એમટી જગ લાડકી’ જહાજ ૮૧,૦૦૦ મેટ્રિક ટન ક્રૂડ ઓઈલ લઈને મુંદરા બંદરે પહોંચ્યું હતું.

ભારત સરકાર જોખમી દરિયાઈ માર્ગે આવતા પોતાના નાગરિકો અને માલસામાનની સુરક્ષા માટે સતત નજર રાખી રહી છે. હાલમાં પર્શિયન ગલ્ફમાં ભારતની માલિકીના ૨૦ જહાજો છે, જેમાં ૫૪૦ ભારતીય નાવિકો સવાર છે. મંત્રાલય આ તમામ સાથે સતત સંપર્કમાં છે અને તેઓ સુરક્ષિત હોવાનું જણાવાયું છે.
વધુમાં, કોઈપણ કટોકટીને પહોંચી વળવા માટે ભારત પાસે હાલમાં ૫૩ લાખ મેટ્રિક ટન પેટ્રોલિયમનો રિઝર્વ સ્ટોક ઉપલબ્ધ હોવાનું જાણવા મળી રહ્યું છે.







