HomeAllયુદ્ધની આંચ મોરબી સુધી: ગેસ અછતની ભીતિ વચ્ચે સિરામિક ઉદ્યોગ ચિંતિત, ગુજરાત...

યુદ્ધની આંચ મોરબી સુધી: ગેસ અછતની ભીતિ વચ્ચે સિરામિક ઉદ્યોગ ચિંતિત, ગુજરાત ગેસ સાથે તાત્કાલિક બેઠક

મોરબી: પશ્ચિમ એશિયામાં ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે ચાલતા યુદ્ધના કારણે વૈશ્વિક ગેસ સપ્લાય ચેઈન પર અસર દેખાઈ રહી છે, જેના પડઘા હવે મોરબીના ઔદ્યોગિક ક્ષેત્ર સુધી સંભળાઈ રહ્યા છે. ગેસ પર આધારિત વિશ્વપ્રસિદ્ધ મોરબી સિરામિક ઉદ્યોગ પર સંભવિત ગેસ સંકટના વાદળો ઘેરાતા ઉદ્યોગકારોમાં અનિશ્ચિતતા અને ચિંતાનો માહોલ છે.

મોરબીનો સિરામિક ક્લસ્ટર સંપૂર્ણપણે પાઈપલાઈન ગેસ પર નિર્ભર છે. આવનારા દિવસોમાં જો ગેસ સપ્લાયમાં ઘટાડો થાય અથવા પુરવઠો ખોરવાય, તો અનેક એકમોને ઉત્પાદન બંધ કરવાની ફરજ પડી શકે છે. પરિસ્થિતિની ગંભીરતા સમજતા મોરબી સિરામિક એસોસિએશનના હોદેદારો તાત્કાલિક રીતે ગુજરાત ગેસના સ્થાનિક કચેરીએ પહોંચ્યા અને અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ ચર્ચા કરી.

બેઠક દરમિયાન ઉદ્યોગકારોએ સ્પષ્ટતા માંગતા કેટલાક મુખ્ય પ્રશ્નો રજૂ કર્યા. હાલની પરિસ્થિતિમાં મોરબી ઉદ્યોગોને કેટલા સમય સુધી અવિરત ગેસ સપ્લાય મળી શકશે? કટોકટીની સ્થિતિ માટે કંપની પાસે કેટલો રિઝર્વ જથ્થો ઉપલબ્ધ છે? અને જો સપ્લાયમાં ઘટાડો થાય તો ઇન્ડસ્ટ્રીયલ ગેસ પર કેટલો કાપ મૂકવામાં આવી શકે? જેવા મુદ્દાઓ પર સ્પષ્ટ જવાબોની માંગ કરવામાં આવી.

ગુજરાત ગેસના સ્થાનિક અધિકારીઓએ જવાબમાં જણાવ્યું કે વર્તમાન પરિસ્થિતિ અંગે ચોક્કસ આંકડા અને માર્ગદર્શન હેડ ઓફિસના સ્તરે નક્કી થશે. સત્તાવાર માહિતી પ્રાપ્ત થતાં જ એસોસિએશનને વિગતવાર જાણ કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી.

સિરામિક ટાઇલ્સના ઉત્પાદન માટે ગેસ અનિવાર્ય ઇંધણ છે. વૈકલ્પિક અને સસ્તું વિકલ્પ ઉપલબ્ધ ન હોવાથી, ગેસ સપ્લાયમાં મોટો કાપ આવે તો ઉત્પાદન જાળવવું મુશ્કેલ બની શકે છે. આવી સ્થિતિ સર્જાય તો અનેક કારખાનાઓને ફરજિયાત શટડાઉન કરવું પડે તેવી શક્યતા ઉદ્યોગવર્તુળોમાં વ્યક્ત થઈ રહી છે.

હજારો કિલોમીટર દૂર ચાલી રહેલા આંતરરાષ્ટ્રીય સંઘર્ષની સીધી અસર મોરબીની સ્થાનિક અર્થવ્યવસ્થા પર થતી જોવા મળી રહી છે. મોરબીનો સિરામિક ઉદ્યોગ લાખો લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી આપે છે. વૈશ્વિક રાજકીય અસ્થિરતાની આ અસર એ સ્પષ્ટ કરે છે કે આંતરરાષ્ટ્રીય ઘટનાઓ સ્થાનિક ઔદ્યોગિક માળખાને કેટલા ઊંડાણથી પ્રભાવિત કરી શકે છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!