યુદ્ધથી ઉકેલ નહીં આવે: મિડલ ઈસ્ટ સંઘર્ષ અંગે PM મોદીની શાંતિ અને સંવાદની અપીલ

પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે ઈરાન સામે છેડાયેલા ભીષણ જંગના છઠ્ઠા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અત્યંત મહત્ત્વનું નિવેદન સામે આવ્યું છે. ફિનલૅન્ડના પ્રતિનિધિઓ સાથેની મુલાકાત દરમિયાન PM મોદીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, ‘ભલે તે યુક્રેન હોય કે પશ્ચિમ એશિયા, કોઈપણ મુદ્દાનું નિરાકરણ સૈન્ય સંઘર્ષ દ્વારા લાવી શકાતું નથી. ભારત અને ફિનલૅન્ડ બંને કાયદાના શાસન, સંવાદ અને રાજદ્વારી વ્યૂહનીતિમાં વિશ્વાસ રાખે છે. અમે સંઘર્ષોના વહેલા અંત અને શાંતિ માટે કરવામાં આવતા દરેક પ્રયાસોનું સમર્થન કરતાં રહીશું.’


વડાપ્રધાને વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં સુધારાને અતિ આવશ્યક ગણાવ્યા હતા અને આતંકવાદના દરેક સ્વરૂપને જડમૂળથી ઉખેડી ફેંકવાની ભારતની પ્રતિબદ્ધતા દોહરાવી હતી. ભારત અને ફિનલૅન્ડ વચ્ચેના સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવાની વાત કરતાં તેમણે કહ્યું કે, આ ભાગીદારી AIથી લઈને 6G ટેલિકોમ અને ક્લીન એનર્જીથી લઈને ક્વોન્ટમ કમ્પ્યુટિંગ સુધીના હાઇટેક ક્ષેત્રોમાં સહયોગને નવી ગતિ આપશે.

અમેરિકાનો ઈરાની આકાશ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવ્યાનો દાવો

બીજી તરફ, ઈરાન અને ઈઝરાયલ-અમેરિકા વચ્ચેનું યુદ્ધ ભયાનક વળાંક લઈ રહ્યું છે. છેલ્લા છ દિવસમાં 1000થી વધુ લોકોના મોત થયા છે. અમેરિકા અને ઈઝરાયલના દળોએ ઈરાની નેવી પર મોટો હુમલો કરી હિંદ મહાસાગરમાં ઈરાની યુદ્ધજહાજ ‘આઈઆરઆઈએસ ડેના’ને સબમરીન હુમલામાં ડૂબાડી દીધું છે.

અમેરિકાએ ઈરાનના એર સ્પેસ પર નિયંત્રણ મેળવ્યાનો દાવો કર્યો છે. ઈરાનમાં સર્વોચ્ચ નેતા આયતુલ્લા અલી ખામેનેઈ અને અન્ય ટોચના નેતાઓના નિધન બાદ તેમના પુત્ર મૌજ્તબા ખામેનેઈને નવા ઉત્તરાધિકારી જાહેર કરવામાં આવ્યા છે. અત્યારે ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સના હેડક્વાર્ટર અને રાષ્ટ્રપતિ કાર્યાલય પર સતત બોમ્બમારો થઈ રહ્યો છે, જેનાથી સમગ્ર વિશ્વમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

error: Content is protected !!