
ભારતીય રિઝર્વ બેંકએ ડિજિટલ પેમેન્ટ કંપની નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાને યુપીઆઇ ઓટો-પે સાથે જોડાયેલી સમસ્યાઓની તપાસ કરવા કહ્યું છે. યુઝર્સની ફરિયાદો વધી રહી છે કે તેમનાં બેન્ક ખાતામાંથી પરવાનગી વગર પૈસા કપાઈ રહ્યાં છે અને તેમને રદ્દ કરવું મુશ્કેલ બની રહ્યું છે.

લોકોનું કહેવું છે કે તેમનાં બેન્ક ખાતામાંથી ઓટો-પે દ્વારા જાણ વગર રકમ કપાઈ રહી છે અથવા તેઓ આવા પેમેન્ટ્સ રદ્દ કરી શકતાં નથી. ફરિયાદોમાં મુખ્યત્વે ત્રણ બાબતો સામે આવી છે. પહેલી, સ્વચાલિત પેમેન્ટ (મેન્ડેટ)ની મંજૂરી આપતી વખતે શરતો સ્પષ્ટ દેખાતી નથી. બીજી, એપ પર સક્રિય મેન્ડેટની સંપૂર્ણ માહિતી મળતી નથી અને ત્રીજી, સબ્સ્ક્રિપ્શન રદ્દ કરવામાં મુશ્કેલી પડે છે. કેટલાક લોકોએ કહ્યું કે તેમને લાગ્યું એપ ડિલીટ કરવાથી પૈસા કપાવું બંધ થઈ જશે, પરંતુ એવું થયું નહીં કારણ કે તે બેન્ક સ્તરે ઓન રહે છે. ઘણાં લોકોએ કહ્યું કે ખાતામાંથી રકમ કપાતની જાણ તેમને એસએમએસ દ્વારા પણ મળતી નથી.

પરવાનગી વગર એપ પર સુવિધા શરૂ કરવામાં આવી
યુપીઆઇ ઓટો-પે સુવિધા 2020માં શરૂ કરવામાં આવી હતી, જેથી લોકો સબ્સ્ક્રિપ્શન, વીજળી-પાણીના બિલ, ઇન્શ્યોરન્સ પ્રીમિયમ અને ઇએમઆઇ જેવા નિયમિત પેમેન્ટ આપમેળે કરી શકે. પરંતુ છેલ્લાં કેટલાક મહિનાઓમાં સાયબર ક્રાઇમ વિભાગ અને બેન્કો પાસે એવી ફરિયાદો વધી છે કે કેટલાક કેસોમાં એક વખત કરાયેલાં પેમેન્ટ બાદ ઓટો-પે મેન્ડેટ આપમેળે સક્રિય થઈ ગયું અથવા યુઝર્સને સ્પષ્ટ માહિતી મળી નહોતી કે તેઓ પૂર્વ પેમેન્ટની મંજૂરી આપી રહ્યાં છે.

આરબીઆઇ શું ઇચ્છે છે
આરબીઆઇએ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાને ઓટો-પે સાથે જોડાયેલી સંપૂર્ણ વ્યવસ્થાની સમીક્ષા કરવા કહ્યું છે. આરબીઆઇ ઇચ્છે છે કે આવા પેમેન્ટ્સ સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવે અને યુઝર્સની સંમતિ સ્પષ્ટ રીતે લેવાય. જો કોઈ રકમ કપાય તો તેને સરળ રીતે રોકી અથવા રદ્દ કરી શકાય.

એક અબજ ટ્રાન્ઝેક્શન થયાં
આંકડા મુજબ, ગયા એક વર્ષમાં યુપીઆઇ દ્વારા થતા ઓટો-પે પેમેન્ટ્સ બમણા થયા છે. નવેમ્બર 2025માં ટોચની 10 બેન્કોએ આશરે 92 કરોડથી વધુ ઓટો-પે ટ્રાન્ઝેક્શન પ્રોસેસ કર્યા. હાલ ઓટો-પે દર મહિને આશરે એક અબજ ટ્રાન્ઝેક્શન રહ્યો છે અને તે કુલ યુપીઆઇ ટ્રાન્ઝેક્શનનો લગભગ 5 ટકા હિસ્સો બની ગયો છે.

ઓટો-પે અથવા મેન્ડેટ આમ ચેક કરી શકો
તમારી યુપીઆઇ એપ ખોલો. ઉપર આપેલ પ્રોફાઇલ અથવા સેટિંગ્સમાં જાઓ.
ત્યાં ઓટો-પે અથવા મેન્ડેટ વિકલ્પ પસંદ કરો. હવે તમને તમામ સક્રિય અને સમાપ્ત મંજૂરીઓ દેખાશે.
અહીં તમે જોઈ શકો છો કે કઈ કંપની અથવા સર્વિસ માટે પૈસા કપાઈ રહ્યાં છે અને કેટલી રકમ કપાઈ રહી છે.

પેમેન્ટ આ રીતે બંધ કરો
♦ મેન્ડેટ અથવા મંજૂરી સેટિંગ્સમાં જાઓ. જે પેમેન્ટ બંધ કરવું હોય તે પસંદ કરો.
♦ રદ્દ કરો અથવા નિરસ્ત કરો વિકલ્પ દબાવો. તમારો યુપીઆઇ પિન દાખલ કરીને ઓકે કરો.
♦ ત્યારબાદ તમને સંદેશ મળશે કે મંજૂરી બંધ થઈ ગઈ છે.
♦ જો જાણ વગર રકમ કપાઈ ગઈ હોય તો શું કરવું.
♦ તરત તમારા બેન્ક અથવા યુપીઆઇ એપના કસ્ટમર સપોર્ટમાં ફરિયાદ નોંધાવો.
♦ એપમાં આપેલ વિવાદ નોંધાવો વિકલ્પનો ઉપયોગ કરો.
♦ જરૂર પડે તો નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના સહાય કેન્દ્રમાં પણ ફરિયાદ કરો.
♦ જો મામલો છેતરપિંડી જેવો લાગે તો રાષ્ટ્રીય સાયબર ક્રાઇમ પોર્ટલ પર ફરિયાદ નોંધાવો.





















