
સાયબર: છેતરપિંડી અને ‘ડિજિટલ ધરપકડ’ જેવી ઠગાઈ સામે ગ્રાહકોને મજબૂત રક્ષણ આપવા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ ‘સ્ટોપ સ્વિચ’ અને ‘ટ્રસ્ટેડ પર્સન મિકેનિઝમ’ રજૂ કર્યા છે. ફોન હેક થવાની કે શંકાસ્પદ લિંક પર ક્લિક થવાની આશંકામાં ‘સ્ટોપ સ્વિચ’ સક્રિય થતા જ ખાતામાંથી નાણાં કપાવાનું બંધ થાય છે, નવી ચુકવણી અટકે છે અને થર્ડ-પાર્ટી UPI એપ્સ પર નવું રજિસ્ટ્રેશન થતું નથી, જોકે ખાતામાં ભંડોળ આવવું ચાલુ રહે છે અને લોન EMI, બેંક ફી તથા લીન માર્કિંગ રાબેતા મુજબ ચાલે છે.

‘ટ્રસ્ટેડ પર્સન મિકેનિઝમ’ હેઠળ ગ્રાહક સ્વૈચ્છિક રીતે માતાપિતા, જીવનસાથી કે પરિવારના સભ્યને નોમિનેટ કરી અને ટ્રાન્સફર મર્યાદા નક્કી કરી શકે છે, જેનાથી વધુ રકમના ઇલેક્ટ્રોનિક ટ્રાન્સફર સમયે રકમ અને પ્રાપ્તકર્તાની વિગત સાથે ટ્રસ્ટેડ પર્સનને (જેનો મોબાઇલ નંબર ખાતાના નંબરથી અલગ હોવો જરૂરી છે) સૂચના મળે છે અને ૧ કલાકમાં મંજૂરી ન મળે કે નકારવામાં આવે તો ટ્રાન્સફર આપમેળે રદ થાય છે. આ વ્યક્તિ માત્ર મોટા વ્યવહારોની મંજૂરી પૂરતી મર્યાદિત રહે છે; તેમને ખાતાની માલિકી, પૈસા ઉપાડવાનો અધિકાર કે બેલેન્સ, FD, રોકાણ અથવા વીમાની વિગતો જોવાની સત્તા મળતી નથી.ભાગ્યે જ વપરાતી નેટબેંકિંગ કે મોબાઇલ બેંકિંગ ચેનલો પર બેંકોએ ગ્રાહકની ઍક્સેસ પર નજર રાખવાની રહેશે, જ્યારે ‘સ્ટોપ સ્વિચ’ ને સ્થિતિ સામાન્ય થયા બાદ નિર્ધારિત પ્રમાણીકરણ પ્રક્રિયા પૂર્ણ કરીને ફરી નિષ્ક્રિય કરી શકાય છે. વૃદ્ધો માટે ખાસ ઉપયોગી આ સુવિધા રોજિંદા નાના UPI વ્યવહારોને અડતી નથી, પરંતુ મોટી રકમની છેતરપિંડી થતા પહેલા જ તેને અટકાવવાનું કામ કરે છે.
































